મોરબીમાં વ્યાજખોરો જાણે સુધારવાનું નામ ન લઈ રહ્યા હોય તેમ એક બાદ એક ગુનાઓ આચરી રહ્યા છે. ત્યારે વ્યાજખોરોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં યુવકે ઉંચા વ્યાજે લીધેલ રૂપિયા પરત આપી દીધા હોવા છતાં વ્યાજખોરોએ મારામારી કરી યુવક પાસે પઠાણી ઉઘરાણી કરતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના રવાપર ગામે આવેલ રામસેતુ સોસાયટી અમરશીભાઇ કાસુન્દ્રા ના મકાનમાં ભાડેથી રહેતા યશભાઇ ભીમજીભાઇ રંગપરીયા નામના યુવકે વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે રૂપીયા લીધેલ હોય જે પૈકી મયુરભાઇ બાબુભાઇ ડાંગર (રહે. રવાપર રોડ રાજબેંક સામે મોરબી)એ રૂ.૫,૦૦,૦૦૦/- માસીક ૩૦ ટકા લેખે આપી તેમજ યશભાઇ રાજુભાઇ ડાંગર (રહે. રવાપર રોડ રાજબેંક સામે મોરબી) પાસેથી રૂ.૫,૦૦,૦૦૦/- માસીક ૩૦ ટકા લેખે આપી અને માધવ ઉર્ફે મેહુલ લાખાભાઇ જીલરીયા (રહે. રવાપર ગામ તા.જી. મોરબી)એ રૂ.૯,૦૦,૦૦૦/- માસીક ૨૧ ટકા લેખે આપી તથા વિશાલ ઉર્ફે વીડી ડાંગર (રહે.રવપર ગામ તા.જી. મોરબી)એ રૂ.૭,૦૦,૦૦૦/- માસીક લેખે ૧૮ ટકા લેખે આપેલ હોય જે આરોપીઓને વ્યાજ તથા મુડી યુવકે પરત આપી દીધેલ હોવા છતા આરોપીઓએ ફરીયાદી યુવક પાસે IDBI બેંકના ફરીયાદીની સહી વાળા કોરા બે – બે ચેકો બળજબરી પુર્વક મેળવી લઇ વિશાલ ઉર્ફે વીડી ડાંગર તથા કિશન કુભાંરવાડીયા (રહે. રવાપર રોડ મોરબી)એ ફરીયાદીના કાકાના દીકરાની દુકાને જઇ ફરીયાદી પાસે રૂપીયાની ઉઘરાણી કરી ફરીયાદીને ગાળો આપી એક થપ્પડ મારી વધુ રૂપીયાની પઠાણી ઉઘરાણી કરતા સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.