પેટ્રોલ ખાલી થઈ જતા કોમ્યુનિટી હોલ પાસે પાર્ક કરેલ બાઇકની ઉઠાંતરી
મોરબીમાં હાલ અજાણ્યા વાહન ચોર ઈસમોએ રીતસરનો ઉપાડો લીધો છે. છાસવારે બનતા વાહન ચોરીના બનાવો અટકાવવા કોઈ નક્કર કામગીરીની ત્વરિત માંગ સામાન્ય પ્રજાજનોમાં ઉઠવા પામી છે. સામાન્ય પ્રજાજન પોતાના કામકાજના સ્થળે જવા-આવવા પોતાના વાહનનો ઉપયોગ કરતા હોય છે ત્યારે આવા નિઠ્ઠલ્લા વાહન ચોર ઈસમો દ્વારા આ વાહન ચોરી કરી લઈ જાય છે ત્યારે સામાન્ય વ્યક્તિઓને આર્થિક, માનસિક તથા શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. જેથી આવા વાહન ચોર સામે કરવામાં આવતી સજાનો કડક કાયદો બનાવવામાં આવે તો વાહન ચોરીના બનાવોને મહદઅંશે અટકાવી શકાય તેવી પણ લોક માંગણી ઉઠવા પામી છે. ત્યારે વધુ એક બાઇક ચોરીના બનાવમાં શ્રમિક આધેડ પોતાનું કામકાજ પૂર્ણ કરી પોતાના બાઇક ઉપર ઘરે પરત આવતા હોય ત્યારે પોતાના ઘર નજીક ભડીયાદ કાંટા કોમ્યુનિટી હોલ પાસે બાઇકમાં ઇંધણ પૂરું થઈ જતા બાઇક ત્યાં જ પાર્ક કરીને ચાલતા ઘરે જતા રહ્યા બાદ મહજ ચાર કલાકમાં પાર્ક કરેલ બાઇક પાસે આવ્યા ત્યારે ત્યાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમ બાઇકની ચોરી કરી લઈ ગયા હતા. હાલ સીટી બી ડિવિઝન ખાતે બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબી-૨ માં પરશુરામ સોસાયટી પાછળ આવેલ રામદેવનગર ૨૭ માં રહેતા ખીમજીભાઈ રવજીભાઈ પરમાર ઉવ.૪૩ એ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચોર ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગઈ તા.૧૭/૦૯ ના રાત્રીના ૯ વાગ્યાની આસપાસ ખીમજીભાઈ પોતાનું સ્પ્લેન્ડર પ્લસ રજી.નં.જીજે-૦૩-એફબી-૦૩૯૦ લઈને પોતાના કામકાજના સ્થળેથી ઘરે પરત ફરતા હોય ત્યારે પોતાના ઘર પાસે ભડીયાદ કાંટા નજીક આવેલ આંબેડકર કોમ્યુનિટી હોલ પાસે ઉપરોક્ત બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ જતા ખીમજીભાઈએ પોતાનું બાઇક કોમ્યુનિટી હોલ પાસે પાર્ક કરીને ચાલતા પોતાના ઘરે જતા રહ્યા હતા ત્યારબાદ રાત્રીના એક વાગ્યે ખીમજીભાઈ પોતાનું બાઇક લેવા ઉપરોક્ત સ્થળે આવતા બાઇકની કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી કારણે લઈ ગયું હતું. ત્યારે ખીમજીભાઈએ નિયમોનુસાર પ્રથા ઇ-એફઆઈઆર બાદ રૂબરૂ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે વાહન ચોર આરોપી સામે ગુનો દાખલ કરી અલગ અલગ દિશામાં શોધખોળ શરૂ કરી છે.