ટંકારા તાલુકાના સખપર ગામે આવેલ વાડામાં બંધ મકાનમાં રાખેલ જીરૂ અને લસણના ભરેલ કુલ ૪૭ કોથળાની કોઈ અજાણ્યા ચોર ઈસમો લઇ ગયાની ખેડૂત દ્વારા ફરિયાદ ટંકારા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જીરૂ ૭૫ મણ રૂ.૩.૩૭ લાખ તેમજ લસણ ૩૦ મણ રૂ.૭૫ હજાર એમ કુલ ૪.૧૨ લાખના મુદ્દામાલની ચોરી થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર ટંકારા તાલુકાના સખપર ગામે રહેતા હસમુખભાઇ રણછોડભાઇ કોરીંગા ઉવ-૪૪એ ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા ચોર આઇઓપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા-૦૫/૦૫ ના રાત્રીના ૧૧ વાગ્યા થી તા-૦૬/૦૫ના સવારના ૫ વાગ્યા દરમ્યાન ફરિયાદી હસમુખભાઇ વાડામાં આવેલ બંધ મકાનમાંથી કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા ગેરકાયદેસર પ્રવેશ કરી મકાનમાં રાખેલ જીરૂ ભરેલ શણના નાના મોટા કોથળા નંગ- ૩૬ જેમાં આશરે ૭૫ મણ કિ.રૂ. ૩,૩૭,૫૦૦/- તથા લસણ ભરેલ શણના નાના મોટા કોથળા નંગ- ૧૧ જેમાં લસણ ૩૦ મણ આશરે કિ.રૂ. ૭૫,૦૦૦/- જે કુલ મુદામાલ કિ.રૂ. ૪,૧૨,૫૦૦/- નો કોઇ અજાણ્યા ચોર ઇસમો રાત્રી દરમ્યાન ચોરી કરી લઇ ગયા હોવાની ફરિયાદ નોંધાવતા હાલ ટંકારા પોલીસે ખેડૂતની ફરિયાદના આધારે અજાણ્યા ચોર ઈસમ સામે ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.