મોરબીમાં સીરામીક રો મટીરીયલ્સનો વેપાર કરતા યુવકે છ મહિના અગાઉ મિત્ર પાસેથી ૧ લાખ રૂપિયા ઉછીના લીધા હોય જે પરત નહીં કરતા યુવકના મિત્રએ શનાળા રોડ કે કે સ્ટીલવાળી શેરીમાં અન્ય મિત્રની ઓફિસે વેપારી યુવકને બોલાવી ઉછીના રૂપિયા પરત આપવા અંગે અપશબ્દો બોલી પ્લાસ્ટિકના પાઇપ તથા ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગે વેપારી યુવક દ્વારા ત્રણેય આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી-૨ ઉમા ટાઉનશીપ આલ્ફાહોમ બી ૫૦૧માં રહેતા હાર્દિકભાઈ કાંતિભાઈ બોપલીયા ઉવ.૨૮ વાળાએ આજથી છ મહિના અગાઉ તેના મિત્ર ચેતન વરમોરા પાસેથી હાથ ઉછીના ૧ લાખ રૂપિયા લીધા હોય ત્યારે અનેક વખત આપેલ રૂપિયા પરત ન આપતા ગઈ તા.૦૨/૦૯ના રોજ ફરિયાદી હાર્દિકભાઈ પોતાની મહેન્દ્રનગર ખાતે આવેલ ઓફિસે હોય ત્યારે તેમના મિત્ર ચેતનભાઈએ ફોન કરી હાર્દિકભાઈને મોરબી શનાળા રોડ કે.કે. સ્ટીલવાળી શેરીમાં કભીબી બેકરી ઉપર આવેલ ચેતનભાઈના મિત્ર મયુરસિંહની ઓફિસે બોલાવ્યા હતા. જ્યાં પહેલેથી મયુરસિંહ અને અન્ય એક અજાણ્યો ઈસમ હાજર હોય ત્યારે ત્રણેય શખ્સોએ એકસંપ કરી હાર્દિકભાઈને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. બાદ મયુરસિંહે પોતાની ઓફિસમાં પડેલ પ્લાસ્ટિકના પાઇપ વડે હાર્દિકભાઈને આડેધડ માર મારવામાં આવી આ વિશે કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે બનાવ બાદ ડરી ગયેલ હાર્દિકભાઈએ થોડા દિવસો પત્ની તથા માતા-પિતાને કોઈ જાણ ન કરી હોય પરંતુ શરીરે મૂંઢ ઇજાને કારણે દુખાવો વધારે થતા હાર્દિકભાઈએ તેમના પરિવારને જાણ કરતા તેમના પિતા દ્વારા હાર્દિકભાઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હોય જ્યાંથી હાર્દિકભાઈએ ઉપરોક્ત ત્રણેય આરોપી ચેતનભાઈ વરમોરા રહે.ક્રાંતિજ્યોત મહેન્દ્રનગર, મયુરસિંહ રહે.મોરબી તથા અજાણ્યા ઈસમ સહિત ત્રણ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી.