ગરમ આથો ૧૫૦ લીટર, ઠંડો આથો ૧૮૪૦ લીટર તથા દેશી દારૂ ૬૫ લીટર સહિતનો મુદ્દામાલ જપ્ત.
વાંકાનેર તાલુકા પોલીસે પૂર્વ બાતમીને આધારે કોટડાનાયાણી ગની સીમમાં નદીના કાંઠે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઉપર રેઇડ કરી હતી, ત્યારે પોલીસને આવતા જોઈ ત્રણ આરોપીઓ નાસી ગયા હતા, પોલીસે ત્રણ પૈકી એક આરોપીની ઓળખ કરી લીધી હતી. રેઇડ દરમિયાન સ્થળ ઉપરથી દેશી દારૂની ભઠ્ઠીની સાધન સામગ્રી સહિત ગરમ અને ઠંડો આથો, દેશી દારૂના જથ્થા સહિત ૬૭ હજારનો મુદ્દામાલ કબ્જે કરી કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે ગામની આંકડીયા નામે ઓળખાતી સીમમા નદીના કાંઠે ડેમની નજીક આરોપીઓએ ગેરકાયદેસર રીતે પાસ પરમીટ કે આધાર વગર દેશી દારૂ બનાવવાનો આથો ગાળી ભઠ્ઠી ચાલુ કરી હોય જે મુજબની બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે રેઇડ કરી હતી, ત્યારે પોલીસે સ્થળ ઉપરથી ગરમ આથો લીટર-૧૫૦ કિ.રૂ.૩૭૫૦/- તથા ઠંડો આથો લીટર-૧૮૪૦ કિ.રૂ.૪૬,૦૦૦/- તથા દેશી દારૂ લીટર-૬૫ કી.રૂ.૧૩,૦૦૦/-તથા ભઠ્ઠીના સાધનો કી.રૂ.૪૫૦૦/- મળી કુલ કીં.રૂ.૬૭,૨૫૦/- ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો, પોલીસને આવતા જોઈ ત્રણ આરોપીઓ નાસી ગયા હતા જે પૈકી આરોપી શકતિ જંયતીભાઈ સોંલકી રહે.કોટડાનાયાણી વાળો ઓળખાય ગયો હોય જ્યારે તેની સાથે બીજા બે અજાણ્યા માણસોની ઓળખ થઈ ન હોય, જેથી કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે ત્રણેય આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.