માથક ગામે લગ્ન પ્રસંગ પતાવી પરત કવાડિયા આવી રહ્યા હતા ત્યારે ગામના પાટીયા પાસે જ સર્જાયો અકસ્માત
હળવદ : હળવદ તાલુકાના કવાડિયા ગામના પાટીયા પાસે ટાયર ફાટતા બે-કાબુ બનેલી કારે બાઇક ચાલક દંપતિને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં દંપતી ને ગંભીર ઈજા પહોંચી હોય જેથી તેઓને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા જ્યાંથી સુરેન્દ્રનગર વધુ સારવાર માટે લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ બંનેના મોત નીપજ્યા હતા.
બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કવાડિયા ગામે રહેતા જીલાભાઈ અલુભાઈ ચારોલા ઉમર વર્ષ ૫૪ અને તેમના ધર્મ પત્ની તેજુબેન જીલાભાઇ ચારોલા ઉમર વર્ષ ૫૪ આજે માથક ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયા હતા. લગ્ન પ્રસંગ પતાવી પરત પોતાના ગામ કવાડિયા આવી રહ્યા હતા ત્યારે હાઇ-વે પર કવાડિયા ગામના પાટીયા પાસે પાછળથી આવી રહેલ કારનું ટાયર ફાટતા કાર બે કાબુ બની હતી અને બાઈકને અડફેટે લીધું હતું જેમાં જિલાભાઈ અને તેજુબેન ગંભીર રીતે ઘવાયા હતા
બને ઈજા ગ્રસ્તોને સારવાર માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રિફર કરવામાં આવ્યા હતા જો કે સુરેન્દ્રનગર પહોંચે તે પહેલા જ દંપતીનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું. સાથે જ અકસ્માત સર્જી કારચાલક ચુલી ગામ નજીક કાર મૂકી ફરાર થઈ ગયો હતો.