માળીયા(મી):કચ્છ થી મોરબી હાઇવે ઉપર ત્રણ રસ્તા ઓવરબ્રિજ ઉપર મોપેડ સવાર દંપતી રાત્રીના કૌંટુબિક ભાઈની દીકરીના લગ્ન પ્રસંગથી પરત આવતા હોય ત્યારે અજાણ્યા વાહનની હડફેટે બંને પતિ-પત્નીના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. હિટ એન્ડ રન અકસ્માતના બનાવમાં પતિને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જયારે પત્નીનું માથું ચેપાઈ ગયું હતું. બનાવ અંગે મૃતક દંપતીના પુત્ર દ્વારા માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી અજાણ્યા વાહનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
હિટ એન્ડ રનના બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર માળીયા(મી)ના ખીરઈ ગામે રહેતા ગફૂરભાઇ રવાભાઈ નોતિયાર ઉવ.૨૧ એ માળીયા(મી) પોલીસ મથકમાં આરોપી અજાણ્યા વાહનના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગત તા. ૦૭/૦૬ ના રોજ ગફુરભાઈના માતાપિતા કૌંટુબીક ભાઈની દીકરીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ખીરઈ ગામથી અંજીયાસર ગામે ઍક્સેસ મોપેડ રજી.નં. જીજે-૩૬-એજી-૯૪૪૨ લઈને ગયા હોય ત્યારે પ્રસંગમાં હાજરી આપી અંજીયાસર ગામથી પરત આવતા હોય ત્યારે રાત્રીના ૧.૩૦ વાગ્યાના અરસામાં માળીયા(મી) ત્રણ રસ્તા ઓવરબ્રિજ ઉપર કોઈ અજાણ્યા વાહનના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી અને ગફલતભરી રીતે ચલાવી ઍક્સેસને હડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. જે અકસ્માતમાં ગફુરભાઈના પિતાને માથાના ભાગે ગંભીર ઈજાઓ તેમજ તેમની માતાના માથા ઉપર વાહનનું વ્હીલ ફરી વળતા માથું સંપૂર્ણ છૂંદાઇ જતા સ્થળ ઉપર જ બંનેના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. અકસ્માત સર્જી અજાણ્યા વાહનનો ચાલક પોતાનું વાહ લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો.
અકસ્માતના આ બનાવની જાણ ગફુરભાઈને થતા તેઓ ઘટના સ્થળે પહોચી તેમના માતા પિતાને માળીયા(મી) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પોલીસને જાણ કરતા પોલીસે કાયદાકીય કાગજી કાર્યવાહી કરી બંને લાશને પીએમ અર્થે મોકલી દેવાઈ હોય, તબીબી કામગીરી પૂર્ણ થયે અંતિમવિધિ કરવા દંપતીના મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા હતા. ત્યારે માળીયા(મી) પોલીસે ગફુરભાઈની ફરિયાદના આધારે આરોપી અજાણ્યા વાહનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.