આજરોજ બપોરના સમયે હળવદ તાલુકાના જુના અમરાપર પાસે હળવદ થી ટીકર બાઈક પર જઈ રહેલ દંપતીને કાર ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો અને આ અકસ્માતમાં પતિ- પત્રીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં બનાવ સ્થળે લોકોના ટોળા ઉંમટી પડયા હતા. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી..
મળતી માહિતી અનુસાર, હળવદ તાલુકાના ટીકર ગામે રહેતા અશ્વિનભાઈ પરમાર અને મુક્તાબેન પરમાર કોઈ કામ બાબતે હળવદ ગયા હતા અને હળવદથી પરત પોતાના ગામ ટીકર ખાતે બાઈક પર આવી રહ્યા હતા ત્યારે કાર ચાલકે પુર ઝડપે આવી જુના અમરાપર નજીક બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં અશ્વિનભાઈ પરમાર અને મુક્તાબેન પરમાર નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ગંભીર અકસ્માતની જાણ થતા આસપાસના ગામજનો મોટી સંખ્યામાં ઘટના સ્તરે દોડી આવ્યા હતા અને લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હાલ બંને પતિ પત્નીના મૃતદેહોને હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પૂરપાટ ઝડપે આવતી આઇ 20 કાર ચાલક ગાડી નં GJ -36-8972 વાળાએ અકસ્માત સર્જી કાર મૂકી નાશી ગયો છે જે બાબતે હળવદ પોલીસે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.