માળીયા મી. ના રોહીશાળા ગામે એક ખેડૂતનો તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલ હાલતમાં મૃતદેશ મળી આવ્યો હતો.જે બાદ માળિયા મીયાણા પોલીસ તેમજ મોરબી એલસીબી ટીમે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી .તેમજ જે ખેતરમાં મૃતદેહ મળી આવ્યો હતો તે ખેતરમાં કામ કરતા શ્રમિક પતી પત્ની ગુમ થયા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ શ્રમિકોએ જ હત્યા કરી હોવાની શંકા ના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.જેમાં હવે મૃતકના ભાઈ દ્વારા માળિયા મીયાણા પોલીસ મથકમાં શ્રમિક પતિ પત્ની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદમાં જણાવ્યા મુજબ મૃતક પરેશભાઈ જાદવજીભાઈ કાલરીયા અને તેના પરિવારે રોહીશાળામાં ડોળી/ ભૂતિયું નામ તરીકે ઓળખાતી સીમમાં આવેલ ખેતર ઉધડ રાખેલ હોય જેમાં જીરૂનું વાવેતર કરેલ હોય જ્યાં શ્રમિક તરીકે રાકેશ નામનો વ્યક્તિ અને તેની પત્ની કામ કરતા હતા. ત્યારે ગઈકાલે મૃતક પરેશભાઈને શ્રમિક રાકેશ નો ફોન આવ્યો હતો અને કીધું હતું કે ખેતરમાં જીરુંમાં પાણી પીવડાવવાનું કામ ચાલુ કરવાનું છે. જેથી ડીઝલ લઈને આવો જેથી મૃતક પરેશભાઈ પોતાનું મોટરસાયકલ લઈને ડીઝલ લઈને ખેતરે ગયા હતા આખી રાત વીતી જવા છતાં મૃતક પરેશભાઈ ઘરે પરત ન ફરતા તેની શોધખોળ શરૂ કરી હતી. જેમાં મૃતક ના ભાઈ મણીલાલ કાલરીયા તેઓના ઉધડ રાખેલ ખેતરએ તેની શોધ કરવા માટે ગયા હોય જ્યાં તેઓને લોહીના ડાઘા અને પાવડા નો લોહીવાળો હાથો જોવા મળતા અજુગતું બન્યા ની જાણ થતાં તેને તેના બીજા ભાઈ ચંદુલાલ કાલરીયાને ફોન કર્યો હતો ત્યારબાદ ફરિયાદી ચંદુલાલ કાલરીયા અન્ય ગ્રામજનોને સાથે લઈને તેઓના ખેતરે ગયા હતા અને ત્યાં તપાસ કરતા શેઢા પર ખડના ઢગલામાંથી ખેડૂત પરેશભાઈ કાલરીયાનો તીક્ષ્ણ હથિયારના ઘા મારેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જે બાદ ફરિયાદિ તથા હાજર લોકોએ તે ખેતરના શ્રમિક પતિ પત્ની ને બોલાવવા માટે તપાસ કરતા તેઓ બન્ને ત્યાં હાજર મળી આવ્યા ન હતા.જે બાદ ફરીયાદી એ માળિયા મીયાણા પોલીસ મથકે જાણ કરી હતી તેમજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને માળિયા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી શ્રમિક પતી પત્ની વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.