માળીયા(મી)ના બગસરા ગામે બગસરા ગામમાં રહેતા ખેડૂતે નાણાની જરૂરિયાતને પહોંચી વળવા રૂ. ૯૦ હજાર ૫ ટકે લીધા હોય જેના બદલામાં ખેડૂતે તમામ રૂપિયા પરત આપી દીધા હોવા છતાં વ્યાજખોર ઈસમ દ્વારા હજુ ૬૫ હજાર બાકી છે તેમ કહી વધુ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનનાર દ્વારા વ્યાજખોર ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
માળીયા(મી) તાલુકાના બગસરા ગામના સુધીરભાઈ વલ્લભભાઈ પાટડીયા ઉવ.૩૮ દ્વારા નોંધાયેલી ફરિયાદ મુજબ, સુધીરભાઈએ આરોપી દેવશીભાઈ સરડવા રવ્હે. સરવડ ગામવાળા પાસેથી ૯૦ હજાર રૂપિયા ૫% વ્યાજે લીધા હતા. તેની સામે વ્યાજ સહીત ૧,૧૩,૦૦૦/- રૂપિયા ચૂકવ્યા છતાં દેવશીભાઈએ વધુ ૬૫,૦૦૦/-રૂપિયાની ઉઘરાણી શરૂ કરી હતી, જે બાબતે આરોપી દેવસીભાઈએ ફરીયાદીને ગાળો આપી અને ધમકી આપી કે જો નાણા ન આપે તો જાનથી મારી નાખીશ કહી બળજબરીથી સુધીરભાઈ પાસેથી કોરા ચેક પર સહી લઇ તે ચેક પડાવી લીધા હતા. આ કેસમાં પોલીસે આરોપી સામે ગુજરાત નાણાની ધીરધાર કરનારા બાબત અધિનિયમ સહિતની કલમ મુજબ ગુનો દાખલ થયો છે.