ગત તા.૮/૧૨ ના રોજ રવિવારે સવારે સરખેજ પોલીસ મથકમાં અન્ય ગુનામાં કસ્ટડીમાં રહેલા નવલસિંહનું હાર્ટએટેક આવતા મૃત્યુ નીપજ્યું હતું
વાંકાનેર નજીકના ધમલપર ગામે મૃતદેહના ટુકડાઓ મળી આવ્યા બાદ તપાસમાં ચકચારી હત્યાના કેસનો ભેદ ઉકેલાયો છે. વાંકાનેરના ધમલપર ગામે કટીંગવાળી મેલડી માતાના મંદિર નજીક દટાયેલ માનવ અવશેષો મળ્યા બાદ તાંત્રિક વિધિના નામે તથા પ્રેમસંબંધમાં હત્યાની સંખ્યા ૧૨ સુધી પહોંચી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદની સરખેજ પોલીસે સિરિયલ કિલર નવલસિંહ ચાવડાની કબૂલાતના આધારે ખોદકામ કરીને તેની પ્રેમિકા નગમાબેનના લાશના ટુકડા વાંકાનેરના ધમલપર નજીકથી જમીનમાં કોહવાય ગયેલ હાલતમાં બહાર કાઢ્યા હતા. આ કેસમાં તાંત્રિક નવલસિંહ અને તેના ભાણેજ શક્તિરાજ રહે. વાંકાનેર ધમલપર સહિત ચાર આરોપીઓ સામે હત્યા, પુરાવાનો નાશ અને ષડયંત્રના ગુનાઓ હેઠળ ખુદ વાંકાનેર પોલીસ ફરિયાદી બનીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વાંકાનેર સીટી પોલીસ મથકમાં મૃતક આરોપી તાંત્રિક નવલસિંહ કનુભાઈ મુળજીભાઈ ચાવડા (રહે મૂળ શિયાળી પોળ વઢવાણ જી.સુ.નગર હાલ અમદાવાદ વેજલપુર અક્ષરધામ સોસાયટી), સોનલબેન નવલસિંહ કનુભાઈ મુળજીભાઈ ચાવડા (રહે મૂળ શિયાળી પોળ વઢવાણ જી.સુ.નગર હાલ અમદાવાદ વેજલપુર અક્ષરધામ સોસાયટી), જીગર ભનુભાઈ ગોહિલ, શક્તિરાજ ભરતભાઇ માનસિંગભાઈ ચાવડા (રહે. વાંકાનેર ધમલપર-૨) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં નગમાબેન(રાજકોટ)નો અમદાવાદ રહેતા તાંત્રિક નવલસિંહ ચાવડા સાથે પ્રેમસબંધ હતો. ત્યારે નગમાબેને નવલસિંહ પર લગ્ન માટે દબાણ કર્યું હતું, પરંતુ નવલસિંહ તેના સંબંધોમાંથી છૂટકારો મેળવવા ઈચ્છતો હતો. જેથી ૨૬ માર્ચ ૨૦૨૪ ના રોજ ધુળેટીના દિવસે તાંત્રિક નવલસિંહ ચાવડાએ નગમાબેનને વઢવાણ ખાતે બોલાવી તેને સોડિયમ પાવડર પીવડાવી મોતને ઘાટ ઉતારી નવલસિંહે લાશને કાપીને અલગ-અલગ કોથળામાં પેક કરી તેને પત્ની, ભાણેજની મદદગારીથી વાંકાનેરના ધમલપર ગામે દાટી દીધી હતી.
આરોપી તાંત્રિક નવલસિંહને મદદ કરનારા લોકોમાં તેની પત્ની સોનલબેન, ભાણેજ શક્તિરાજ ચાવડા, સાગરિત જીગર ગોહિલના નામ સામે આવ્યા છે. વાંકાનેર સીટી પોલીસે ચાર આરોપી તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ હત્યા, પુરાવા નાશ અને ષડયંત્રના ગુનાઓ હેઠળ ફરિયાદ દાખલ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.