મોરબી શહેરની શાન ગણાતા ઐતિહાસિક અને સાંસ્કૃતિક નમૂનાઓમાં ટાઉનહોલ એટલે કે “મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલ”નું વિશિષ્ટ સ્થાન છે. વર્ષો અગાઉ મોરબીના ભૂતપૂર્વ રાજપરિવારના મહારાજા લખધીરસિંહજી બાપુએ રાષ્ટ્રના હિત માટે અનેક ઇમારતો ભારત સરકારને અર્પણ કરી હતી, જેમાં આ ટાઉનહોલની ભવ્ય ઈમારત પણ સામેલ છે. ત્યારે મોરબી શહેરના ઐતિહાસિક “મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉનહોલ”ના સાઈનબોર્ડની પુનઃસ્થાપન માટે મોરબીના રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ ડી. જાડેજાએ મહાનગરપાલિકા કમિશ્નરને લેખિતમાં રજુઆત સાથે માંગ કરવામાં આવી છે.
મોરબી મહાનગરપાલિકાની વ્યવસ્થા હેઠળ આવતા આ ટાઉનહોલના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર અગાઉ “મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલ” નામનું સાઈન બોર્ડ હતું. પરંતુ હાલ બીજાં પ્રવેશદ્વાર પર આ નામ ન હોવાને કારણે એ ઐતિહાસિક ઓળખ અદૃશ્ય બની ગઈ છે. આ બાબતે રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ મોરબીના પ્રમુખ કનકસિંહ જાડેજાએ મ્યુનિસિપલ કમિશ્નરને લેખિતમાં રજુઆત કરી છે કે મહાનગરપાલિકાના બીજા પ્રવેશદ્વાર ઉપર મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલનું નામ પુનઃસ્થાપિત કરવા વિનંતી કરી છે. તેઓએ જણાવ્યું કે, મોરબીને પેરિસનું બિરૂદ અપાવનાર મોરબી રાજય પરિવારે અર્પણ કરેલ હેરીટેજ વારસા સમાન મહારાજા મહેન્દ્રસિંહજી ટાઉનહોલનું સાઈન બોર્ડ જ ન હોય તો એ ખરેખર તો પ્રજાવત્સલ રાજયપરિવારે આપેલ પ્રજાની સુખાકારી સમાન ઓડીટોરીયમની ઐતિહાસિક ગરિમાની ઉપેક્ષા થઈ હોય એવું મોરબી પ્રજા અને જાહેર જીવનના તમામ અગ્રેસરો અનુભવી રહ્યા છે. ત્યારે આ બાબતમાં રસ લઈ ઘટતી કાર્યવાહી કરી મોરબી મ્યુ. કોર્પો.ના અન્ય બીજા પ્રવેશદ્વાર ઉપર “મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી ટાઉન હોલ’ એવા નામકરણનું સાઈન બોર્ડ પુનઃ લગાવવામાં આવે તે માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી સાથે રજુઆત કરવામાં આવી છે.