મોરબી એ-ડિવિઝન પોલીસ દ્વારા બાતમીના આધારે શંકાસ્પદ હાલતમાં એકટીવા લઈને ફરતા એક ઇસમને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની પાસેથી મળેલ એક્ટીવા વાહન ચોરીનું હોવાનું બહાર આવતા આરોપી સામે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
મોરબી જીલ્લામાં મિલ્કત સંબંધિત ગુનાઓ અટકાવવા માટે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એ ડિવિઝન પોલીસ કાર્યરત હોય તે અંતર્ગત એ-ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ સાથે ફરતો જોવા મળ્યો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ઇસમને પકડી પાડ્યો હતો. પોલીસ દ્વારા આરોપી દિલીપભાઇ ઉર્ફે ઇમરાનબાવો પાસે વાહનના દસ્તાવેજો માંગતા તેની પાસે ન હોવાનું જણાવતા, એન્જિન અને ચેસીસ નંબરના આધારે તપાસ કરતા આ એક્ટીવા વાહન અગાઉ નોંધાયેલ ચોરીનું હોવાનું સામે આવ્યું હતું. જેથી આરોપી દિલીપભાઇ ઉર્ફે ઇમરાનબાવો રાજેશભાઇ જાની ઉવ.૨૬ રહે. મોરબી વીસીપરા રોહિદાસપરા ખાડામાં વાળાની અટક કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પકડાયેલ આરોપી અગાઉ પણ મોરબી સીટી એ ડિવિઝન તથા બી ડિવિઝનમાં અલગ અલગ ત્રણ ગુનામાં પોલીસ ચોપડે નામ નોંધાવી ચુક્યો છે.









