મુસ્લિમ મહિલા અધિકાર કાયદા હેઠળ પતિ સામે ગુનો નોંધાયો.
વાંકાનેર શહેરમાં એક ડોક્ટર મહિલાને તેના પતિએ ત્રણ તલાક આપતા, તેના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પીડિતા ડોક્ટર હોય જેથી પતિને નાણા આપતી હોય જે રૂપિયા ૨૦૨૪માં આપવાનું બંધ કરતા, પતિ એનકેન પ્રકારે હેરાનગતિ કરી, માતાપિતાના ઘરે રહેતી પત્નીને કુરિયર મારફતે અલગ અલગ ત્રણ તલાકનામું મોકલ્યું હોય જે બાદ ત્રણ તલાકના કાયદા મુજબ ડોક્ટર પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવતા, પોલીસે મુસ્લિમ મહિલા લગ્ન પર અધિકારોનું રક્ષણ અધિનિયમ-૨૦૧૯ ની હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ,વાંકાનેર શહેરના ખોજાખાના વાળી શેરીમાં પિતાના ઘરે રહેતા કેલીનબેન રહીમભાઈ હુદ્દાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી પતિ રહીમભાઈ રફીકભાઈ હુદ્દા મૂળરહે.સુરેન્દ્રનગર ૮૦ ફુટનો રોડ સીલ્વર પ્લાઝા ફલેટ નંબર ૫૦૩ હાલ-મુંબઇ દહીસર ગુલીસ્તાન સી.એચ.એસ.વી. રોડ ખોજા જમાત ખાનાની સામેવાળા વિરુદ્ધ ત્રણ તલાકના મામલે ફરિયાદ નોંધાવી કે કેલીનબેનના લગ્ન ઉપરોક્ત આરોપી રહીમભાઈ સાથે જ્ઞાતિના રીતિરીવાજ મુજબ થયા બાદ દંપતિને એક દિકરી હોય ત્યારે ૨૦૨૪માં મહિલાએ નાણાં પતિને આપવાનું બંધ કરતાં, પતિએ તેમને માનસિક અને શારીરિક હેરાનગતી આપવાનું શરૂ કર્યું. છેલ્લા ૧૧ મહિનાથી મહિલાએ પતિને છોડીને વાંકાનેરમાં પિતાના ઘરે રહેવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ આરોપી(પતિ)એ એનકેન પ્રકારે હેરાન પરેશાન કરી લેખીતમાં કુરીયર મારફતે તા.૦૯ સપ્ટેમ્બર’૨૪ તથા તા.૧૧ ઓક્ટોબર’૨૪ અને તા.૧૭ નવેમ્બર’૨૪ ના રોજ નોટરી રૂબરૂમા સ્ટેમ્પ પેપર સોગંધનામુ કરી ફરીયાદીને મંજુર ન હોય ત્રણ તલાક આપ્યા હોય જેથી આ મામલે ભારત સરકારના ૨૦૧૯ના નવા કાયદા હેઠળ વાંકાનેર સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ, ૨૦૧૯ની કલમ ૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.