મોરબીના ખારચીયા ગામથી આમરણ જવાના નેશનલ હાઇવે રોડ ઉપર મોટર સાયકલ સવાર બે કુટુંબીક ભાઈઓને અકસ્માત નડ્યો હતો, જેમાં હનુમાન જન્મોત્સવ નિમિતે પ્રસાદી લેવા જતા હોય ત્યારે મોટર સાયકલ ચાલક યુવકે પોતાનું બાઇક ફૂલ સ્પીડમાં ચલાવી આગળ રોડ સાઈડમાં ઉભેલ ટ્રક કન્ટેઇનરના પાછળના ભાગમાં બાઇક અથડાતા મોટર સાયકલ ચાલકને મોઢાના ભાગે તેમજ શરીરે ગંભીર ઇજા પહોચતા તેનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા સગીરને મોઢાના ભાગે ફ્રેકચર તેમજ માથામાં હેમરેજ જેવી ઇજાઓ પહોંચતા તેને પ્રથમ મોરબી બાદ વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયો છે, હાલ અકસ્માતની ઘટના અંગે મૃતક મોટર સાયકલ યુવક વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદને આધારે પોલીસે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, મોરબી તાલુકાના ખારચીયા ગામે રહેતા રમેશભાઈ રેવાભાઈ બોપલીયા ઉવ.૫૦ની ફરિયાદ મુજબ ગઈ તા.૧૨/૦૪ ના રોજ ફરિયાદી રમેશભાઈનો દીકરો આર્યન અને ફરિયાદીના કુટુંબી ભાઈનો દીકરો સાહિલ રમેશભાઈ કાનજીભાઈ બોપલીયા ઉવ.૨૦ એમ બંને બજાજ ડિસ્કવર રજી.નં. જીજે-૧૦-બીઈ-૧૭૫૦ લઈને ખારચીયા ગામથી આમરણ ગામ હનુમાનજી જન્મોત્સવ માટે પ્રસાદી લેવા જતા હતા, ત્યારે ખારચીયાથી આમરણ જવાના રસ્તે નેશનલ હાઇવે ઉપર રોડ સાઈડમાં પાર્ક કરેલ ટ્રક કન્ટેઇનર રજી.નં.જીજે-૧૨-એટી-૮૨૮૪ ના પાછળના ભાગે મોટર સાયકલની જોરદાર ટક્કર થઈ હતી, ત્યારે અકસ્માતની આ ઘટનામાં મોટર સાયકલ ચાલક સાહિલને માથાના અને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે પાછળ બેઠેલા આર્યન ઉવ.૧૬ ને મોઢાના ભાગે ફ્રેકચર અને માથામાં માઇનર હેમરેજ જેવી ઇજાઓ સારવાર અર્થે પ્રથમ મોરબી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો છે, હાલ આર્યનની સારવાર ચાલુ હોય, ત્યારે તાલુકા પોલીસે રમેશભાઈની ફરિયાદને આધારે મૃતક મોટર સાયકલ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.