મોરબીમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવામાં આવ્યો છે. જેમાં બેફામ ચાલતા ડમ્પરે વધુ એક પરિવારનો માળો વિખી નાખ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે, ત્યારે નવા જાંબુડીયા ગામ જતા રસ્તે રોડ ઉપર વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં ડમ્પરે બાઇક ઉપર જઈ રહેલા પરિવારને સામેથી માતેલા સાંઢની જેમ પુરપાટ ગતિએ આવી બાઇકને જોરદાર ટક્કર મારી પતિ-પત્ની તથા બે બાળકોને ફંગોળી દેતા રોડ ઉપર પટકાયેલ પત્ની ઉપર ડમ્પરનું તોતિંગ વ્હીલ ફરી જતા તેનું માથું અને છાતીનો ભાગ છૂંદાઈ જતા હતભાગી મહિલાનું સ્થળ ઉપર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું જ્યારે એક બાળકને માથામાં ઇજા પહોંચી હતી. વધુમાં મોરબી જીલ્લામાં હાલ ડમ્પર ચાલકો દ્વારા પોતાના વાહન બેફામ ગતિએ ચલાવી છાસવારે અકસ્માત સર્જતા હોય ત્યારે આવા ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની લોકોની માંગ ઉઠવા પામી છે.
પ્રાપ્ત વિગત મુજબ નવા જાંબુડીયા ગામ નજીક ઓલ્વીન ટાઇલ્સ સીરામીક કારખાનાની મજૂર ઓરડીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યના વતની પ્રીન્સ રાજાભઇયા ચૌહાણ ઉવ.૩૦ ગત તા.૧૬/૦૮ના રોજ સાંજના સમયે પોતાની પત્ની ઇન્દુબેન તથા તેમનો દીકરો પ્રહલાદ અને ભાણેજ રાજવીર સાથે બાઇક રજી.ન.જીજે-૨૭-સીઆર-૬૫૨૨ લઈને પસાર થતા હોય તે દરમિયાન જાંબુડીયા ગામ જવાના રસ્તે શક્તિ એન્જીનીયરીંગ સામે રોડ ઉપર સામેથી પુરપાટ ગતિએ આવી રહેલ ડમ્પર રજી.નં.જીજે-૩૬-ટી-૭૦૪૪ના ચાલકે પ્રિન્સભાઈના બાઇકને સામેથી જોરદાર ટક્કર મારી પતિ-પત્ની અને બંને બાળકોને હવામાં ફંગોળ્યા હતા. જેમાં ઇન્દુબેન રોડ ઉપર પટકાતા તેની ઉપર ડમ્પરના વ્હીલનો જોટો ફરી વળતા ઇન્દુબેનનું માથું અને છાતીની પાસળી છૂંદાઈ જતા સ્થળ ઉપર તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ભાણેજ રાજવીરને માથાના ભાગે ફૂટ જેવી ઇજા પહોંચી હતી. ત્યારે સમગ્ર અકસ્માતના બનાવ બાબતે પ્રીન્સ રાજાભઇયા ચૌહાણ દ્વારા ડમ્પર ચાલક આરોપી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.