મોરબી તાલુકાના ખાનપર ગામે રોડની વચ્ચે રાખેલ કાર હટાવવા બાબતની બોલાચાલી બાદ થયેલ ઝઘડામાં ખાનપર બસ સ્ટેન્ડ પાસે લાકડાના ધોકા અને ધાતુની મુઠ દ્વારા બંને પક્ષના સભ્યોને ઇજાઓ પહોંચતા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા જ્યાંથી બંને પક્ષ દ્વારા તાલુકા પોલીસ સમક્ષ સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે પિતા-પુત્ર સહિત ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ યદુનંદન પાર્ક શેરી નં.૨ માં રહેતા ઇન્દ્રજીતસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા ઉવ.૩૪ એ આરોપી દેવેન્દ્રસિંહ ઉર્ફે અશોકભાઈ સજુભા જાડેજા રહે. શનાળા બાયપાસ વૃદાવન સોસાયટીવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરીયાદી ઇન્દ્રજીતસિંહ ગઈકાલ તા.૩૦/૧૦ના રોજ ખેતીના કામ સબબ પોતાના ગામ ખાનપર પોતાની સ્કોર્પિયો કાર લઈને ગયા હતા ત્યારે ખાનપર ગામે મંદિર પાસે રોડની વચ્ચે રાખેલ આરોપી દેવેન્દ્રસિંહ ઉર્ફે અશોકભાઈને તેની ગાડી સાઈડમા લેવા બાબતે બોલાચાલી કરી હતી, જે બાદ ઇન્દ્રજીતસિંહ તેમજ તેમના પિતાજી ગજેન્દ્રસિંહ આરોપી દેવેન્દ્રસિંહને આ બાબતે સમજાવવા જતા તેમની સાથે ઝઘડો કરી ઝપાઝપી કરતા છોડાવવા વચ્ચે પડેલ ઇન્દ્રજીતસિંહને કપાળમાં દેવેન્દ્રસિંહ દ્વારા ધાતુની મુઠ તથા ઢીકા પાટુનો માર મારી માથામાં કપાળના ભાગે ટાકા જેવી ઈજા પહોંચાડયાની ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે સામાપક્ષે મોરબીના શનાળા બાયપાસ નજીક વૃદાવન સોસાયટીમાં રહેતા દેવેન્દ્રસિંહ ઉર્ફે અશોકભાઈ સજુભા જાડેજા ઉવ.૬૧ એ આરોપી ઇન્દ્રજીતસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા તથા આરોપી ગજેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા રહે.બન્ને મોરબી યદુનંદન પાર્ક શેરી નંબર ૨ વાળા સામે ફરિયાદ નોંધાવી કે ફરીયાદી દેવેન્દ્રસિંહએ આરોપી ઇન્દ્રજીતસિંહ સાથે ગાડી સાઈડમા લેવા બાબતે બોલાચાલી કરતા આરોપી પિતા-પુત્રએ ખાનપર ગામના બસ સ્ટેન્ડ પાસે દેવેન્દ્રસિંહ ઉર્ફે અશોકભાઈને પકડી રાખી લાકડીના ધોકા વડે માથામાં તથા શરીરે બન્ને આરોપીઓએ ગાળો આપી ઢીકાપાટુનો માર મારી માથામાં ટાકા જેવી ઈજા પહોંચાડી હતી, હાલ પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈને કુલ ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંદગી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.