SIT ની રચના કરી ને દસ દિવસમાં યોગ્ય નિકાલ કરવાનું આશ્વાસન આપતાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી
જૂનાગઢમાં ફરજ બજાવતા મૂળ માળીયા તાલુકાના એસઆરપી જવાને ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. એસઆરપી જવાનના શરીર પર મારના નિશાન મળતા આપઘાતના બનાવે શંકા ઉપજાવી હતી. એસઆરપી જવાનના મોતના લઇને આહીર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. દોષિતો વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માગ કરવામાં આવી છે. તેમજ આજે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ આહીર સમાજે રૂબરૂ રજુઆત કરી હતી.
મળતી માહિતી અનુસાર, માળીયા તાલુકાના મેઘપર ગામના રહેવાસી એસઆરપી જવાન બ્રિજેશ ગોવિંદભાઈ લાવડીયા જૂનાગઢ ખાતે ફરજ બજાવી રહ્યાં હતા. ફરજ દરમિયાન તેમણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. જોકે તેમના શરીર પર માર મારવામાં આવ્યો હોવાના નિશાન જોવા મળ્યા હતા. જેને લઇને આહીર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. એસઆરપી જવાને અધિકારીઓના માર અને માનસિક ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી હોવાનો આહીર સમાજ દ્વારા આક્ષેપ કરાયો છે. તેમજ ડી.વાય.એસ.પી. કાપડિયા અને પી.એસ.આઈ. ખાચર સામે કાર્યવાહી કરવામાં આવે અને ફરિયાદ નોંધવામાં આવે તેવી માગ કરાઈ છે. પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છેકે, બ્રિજેશ લાવડિયાએ આત્મહત્યા કરી નથી. પરંતુ તેમને મરવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. ત્યારે આજે આહીર સમાજના આગેવાનો દ્વારા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ રૂબરૂ રજુઆત કરવામાં આવી હતી અને ગૃહમંત્રી દ્વારા આ મામલામાં SIT ની રચના કરી તપાસ કરવાવાનુ આશ્વાસન પણ આપ્યું હતું. તેમજ ગૃહમંત્રીએ આહીર સમાજને દસ દિવસનો સમય આપવા પણ માંગ કરી હતી. જેથી હવે દસ દિવસમાં યોગ્ય નિકાલ નહી આવે તો રેલી યોજવામાં આવશે.