ખેતરની ઉપજ, ઘર સહિત વેચી આવેલ રૂપિયા આપવા છતાં વ્યાજખોરે ચેક રિટર્નનો કેસ કર્યો.
ટંકારા તાલુકાના ઘુનડા (સજનપર) ગામનો પરિવાર વ્યાજના વિષચક્રનો ભોગ બન્યા અંગે ટંકારા પોલીસ મથકમાં વ્યાજખોર શખ્સ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં પરિવારની મહિલાએ વ્યાજખોર શખ્સ વિરુદ્ધ પોલીસ સમક્ષ આક્ષેપ કર્યો છે કે તેમના દિકરાએ ૧૦% વ્યાજે લીધેલા રૂ.૧૫ લાખના કારણે આખો પરિવારે વ્યાજખોરીનો ભોગ બનવું પડ્યું હતું. દોઢ વર્ષ સુધી દર મહિને રૂ.૧.૫૦ લાખ વ્યાજ ચૂકવ્યા બાદ દિકરાનું અવસાન થયું, છતાં વ્યાજખોર શખ્સે પરિવાર ઉપર સતત દબાણ કરી અત્યાર સુધીમાં કુલ રૂ.૭૮ લાખ પડાવ્યા હતા. અને હજુ પણ સતત વ્યાજ અને મુદલની પઠાણી ઉઘરાણી કરતા હોય. હાલ ટંકારા પોલીસે આરોપી વ્યાજખોર વિરુદ્ધ આઈપીસી ૩૮૪ તથા ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે.
મળતી વિગતો અનુસાર, ટંકારા તાલુકાના ઘુનડા(સજનપર) રહેતા મુક્તાબેન ચંદુલાલ બરાસરા ઉવ.૫૫ એ ટંકારા પોલીસ મથકમાં આરોપી રમેશભાઈ દેવભાઈ જારીયા રહે.ઉમિયાનગર સોસાયટી રવાપર-ઘુનડા રોડ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ફરિયાદી મુક્તાબેનના દિકરા ધર્મેશે ધંધા માટે ડમ્પર ખરીદવા તથા માટીના કામ માટે આશરે ત્રણ વર્ષ પહેલા આરોપી રમેશભાઈ દેવજીભાઈ જારીયા પાસે રૂ.૧૫ લાખ ૧૦% વ્યાજે લીધા હતા. જેમાં ધર્મેશે દોઢ વર્ષ સુધી દર મહિને રૂ.૧.૫ લાખ મુજબ કુલ રૂ.૨૭ લાખ વ્યાજ ચુકવ્યા બાદ કેન્સરની બીમારીને કારણે અવસાન પામ્યો હતો. ત્યારબાદ પણ આરોપીએ પરિવાર પાસેથી વ્યાજની માંગણી ચાલુ રાખી હતી. ત્યારે પરિવારે કપાસના પાકનું વેચાણ કરીને મળેલા રૂ.૧૦ લાખ, જમાઈ પાસેથી લીધેલા રૂ.૪ લાખ સહિત મકાન વેચાણ ના આવેલ રૂપિયા માંથી અનેક વખત અલગ-અલગ હપ્તામાં કુલ રૂ.૭૮ લાખ આપ્યા હોવા છતાં સતત દબાણ કરી આરોપી રમેશભાઈએ ચેક પણ લઇ લીધા અને વારંવાર મોબાઇલ પર ફોન કરીને પઠાણી-ઉઘરાણી કરતા હતા, વધુમાં વ્યાજખોર દ્વારા ચેક રિટર્નનો કેસ પણ કર્યો હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. હાલ ટંકારા પોલીસે આરોપી સામે આઇપીસી અને મની લેન્ડર્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.