મોરબીના બગથળા ગામ પાસે ઈવા કારખાના અને સિલ્વર સાઈન પેટ્રોલ પંપ વચ્ચેના રસ્તે વહેલી સવારે રીક્ષાની ઠોકરે વોકિંગ પર નિકળેલા પિતા-પુત્રને અકસ્માત નડયો હતો, જેમાં પિતાને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને પુત્રના ખભા તથા પગમાં ફ્રેક્ચર જેવી ઇજાઓ પહોંચી હતી.
મોરબી તાલુકાના બગથળા ગામ નજીક તા. ૧૧ મે ૨૦૨૫ના રોજ વહેલી સવારે અંદાજે ૬ વાગ્યા આસપાસ સીએનજી રીક્ષાના ચાલકે પોતાની રીક્ષા પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે ચલાવીને પિતા-પુત્રને અડફેટે લીધા હતા. જે બનાવમાં ફરીયાદી નયનકુમાર રમેશભાઈ ઠોરીયા ઉવ.૩૩ રહે. સરદારનગર સોસાયટી, શીવધારા એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૪૦૩ મોરબી, મૂળરહેવાસી બગથળા વાળા પોતાના પિતા રમેશભાઈ સાથે સવારે વોકિંગ પર નિકળ્યા હતા. ત્યારે ઇવા કારખાના અને સિલ્વર સાઈન પેટ્રોલ પંપ વચ્ચે રોડ ઉપર પાછળથી આવતી રીક્ષા રજી.નં. જીજે-૩૬-યુ-૫૯૦૫ના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે રીક્ષા ચલાવી બંનેને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં નયનકુમારને જમણા ખંભા ઉપર તથા પગમાં ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચતા તત્કાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે તેમના પિતાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માતની ઘટનાને પગલે ભોગ બનનાર નયનકુમારની ફરિયાદને આધારે પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.