મોરબી તાલુકાના રંગપર ગામ નજીક નોટો સીરામીક સામે ચાલીને જતી સીરામીક શ્રમિક મહિલાને ટ્રક ટ્રેઇલરના ચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો, જે અકસ્માતમાં શરીરે ગંભીર ઇજાઓ પહોચતા, રાહદારી મહિલાનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકના પતિની ફરિયાદને આધારે તાલુકા પોલીસે ટ્રક ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મહીસાગર જીલ્લાના સિંગલગઢ ગામે રહેતા નરવતભાઈ પ્રતાપભાઈ સેલોત ઉવ.૪૬ એ ટ્રક ટ્રેઇલર રજી.નં. આરજે-૧૯-જીજે-૧૭૭૨ ના આરોપી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ફરિયાદી નરવતભાઈના પત્ની કે જેઓ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ નોટો સીરામીકમાં મજૂરી કામ કરે છે, તેઓ ગઈ તા.૨૩/૦૫ ના રોજ રાત્રીના આઠેક વાગ્યે શાકભાજી લેવા ગયા હતા ત્યારે નોટો સીરામીકની સામે સિમેન્ટ રોડ ઉપર ટ્રક ટ્રેઇલરના ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડે અને ગફલતભરી રીતે ચલાવીને ચાલીને જતા સુમિત્રાબેનને ઠોકરે ચડાવતા, તેણીને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સુમિત્રાબેનને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલ લઈ જતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને જોઈ તોએસી મૃત જાહેર કર્યા હતા. ત્યારે અકસ્માતની ઘટના અંગે પોલીસે ટ્રક ટ્રેઇલરના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે