બે મહિલા સહિત કુલ આઠ લોકો સામે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો
મોરબી શહેરના વજેપર વિસ્તારમાં અગાઉના પ્રેમસંબંધના વિવાદને લઇને બે પક્ષો વચ્ચે માથાકૂટ થઈ હતી. પાઇપ, છરી અને ઢીકાપાટા વડે હુમલાની ઘટનામાં બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલા સહિત આઠ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મોરબી શહેરના વજેપર વિસ્તારમાં અગાઉના પ્રેમ સંબંધના વિવાદનો ખાર રાખી બે પક્ષો વચ્ચે ઘર્ષણ ઉભું થયું હતું. મામલો એટલો તીવ્ર બન્યો કે બંને પક્ષોએ પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદો નોંધાવી છે. જેમાં પ્રથમ ફરિયાદમાં ફરિયાદી મનીષાબેન સુરેશભાઈ લક્ષ્મણભાઈ થરેશા રહે. વજેપર શેરી નં.૨૪ દ્વારા આરોપી હર્ષદ ઉર્ફે હકો વેલજીભાઈ ચોહાણ, જીગુબેન હર્ષદ ચોહાણ, ખોડો હર્ષદ ચોહાણ અને વિશાલ ઉર્ફે લાલો બાબુભાઈ થરેશા બધા રહે. વજેપર મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ઉપરોક્ત તમામ આરોપીઓએ પાઇપ અને ધારીયા વડે હુમલો કર્યો હતો. આરોપીઓએ ફરીયાદીનાં જમાઇ સાથે યુવતીના પ્રેમસંબંધના મુદ્દે ઉશ્કેરાઈને ગાળો બોલી, લોખંડના પાઈપ વડે ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સામાપક્ષે ફરિયાદી વિશાલભાઈ ઉર્ફે લાલો બાબુભાઈ થરેશા રહે. વજેપર શેરી નં.૨૪ એ આરોપી મનીષાબેન સુરેશભાઈ થરેશા, જગદીશ સુરેશભાઈ, મનીષાબેનના જમાઇ હિતેષ ઉર્ફે ઠાકરો અને સુરેશભાઇ લક્ષ્મણભાઈ થરેશા સામે ફરિયાદ નોંધાવી કે, અગાઉ સાહેદ હર્ષદભાઈની દીકરી અને હિતેષ વચ્ચેના પ્રેમ સંબંધને લઈને જૂનો ઝઘડો ચાલતો હતો. જેનો ખાર રાખી આરોપી હિતેષે હર્ષદને પાઇપ વડે ઇજા પહોંચાડી અને ત્યારબાદ બીજા આરોપીઓએ છરી અને પાઈપ વડે હુમલો કર્યો હતો. જે હુમલામાં વિશાલભાઈને પીઠના ભાગે છરીના બે ઘા અને પાઈપ વડે ગંભીર ઇજાઓ પહોચાડવામાં આવી હતી. હાલ સીટી એ ડિવિઝન પોલીસે કુલ ૮ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.