મોરબી શહેરમાં વાહન ચોરીના બનાવો નોંધાતા પોલીસે સઘન તપાસ હાથ ધરી વાહન ચોરતી ટોળકીને પકડવા કવાયત હાથ ધરી હતી. જેમાં મોરબી સીટી એ ડિવીઝન પોલીસને સફળતા મળી છે. અને પોલીસે દ્વિચક્રી વાહન ચોરતી ટોળકીના ચાર શખ્સોની અટકાયત કરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડિવીઝન પોલીસની ટીમે બાતમીના આધારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચાર ઈસમોની અટકાયત કરી છે. જેમાં પોલીસે તેઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, બલુભાઇ દેવજીભાઇ વારૈયા (રહે. ભાવનગરરોડ, દુધસાગરરોડ, દુધની ડેરીની પાછળ, મફતીયાપરા, રાજકોટ), ડાયાભાઇ અમરશીભાઇ વડેચા (રહે. આદીપુર, અંજારરોડ, કેનાલની બાજુમાં, શનિદેવ ભરડીયા સામે, ઝુપડપટ્ટીમાં તા. ગાંધીધામ જિ. કચ્છ ભુજ), દેવજીભાઇ રમેશભાઇ દેવીપુજક (રહે. આદીપુર, ગોંડલ સોસાયટીની બાજુમાં, ભકિતનગર, મહેંદી ફળીયા, તા. ગાંધીધામ જિ. કચ્છ ભુજ મુળ રહે. તારાનગરથી ત્રણ કિ.મી. દુર રણમાં પારેકડી માતાના મઢ પાસે તા. સમી જિ. પાટણ) તથા રમેશભાઇ ચતુરભાઇ પટણી (રહે. લીલાશાકુટીયાની પાછળ, ઇસ્કોન મંદિર પાસે, આદિપુર જિ. ગાંધીધામ (પૂર્વકચ્છ)) નામના શખ્સોએ ટોળકી બનાવી જે ટોળકીની બલુભાઇ તથા ડાયાભાઇએ લીડરશીપ કરી દેવજીભાઇ તથા રમેશભાઇ ટોળકીના સભ્યો બની એકબીજા સાથે મળી પોતાના અંગત આર્થીક ફાયદા સારૂ વાહન ચોરીના ગુનાઓ આચરવા આર્થિક ફાયદો મેળવી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ તારીખ, સમયે જાહેર જગ્યાએથી મોપેડ (મોટર સાઇકલ) ચોરીના ગુનાઓ આચરી કુલ રૂ.૧,૫૦,૦૦૦/- ની માલ મત્તા મેળવી કુલ-૦૪ વાહન ચોરીના ગુનાઓ આચર્યા છે. ત્યારે પોલીસે ચારેય આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.