પ્રેમસંબંધના ફોટા વાયરલ કરવાની ધમકી આપીને યુવતી પાસેથી રૂપિયા તથા મોબાઇલ પડાવ્યા
મોરબીમાં માતાપિતા અને અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. મિત્રતા કે પ્રેમસંબંધની આડમાં કેટલાક તકસાધુ યુવકો બ્લેકમેલિંગનો રસ્તો અપનાવી દિકરીઓનું જીવન બરબાદ કરી નાખે છે અને સાથે સાથે માતાપિતાને પણ સમાજમાં નીચા જોવાપણું થાય તેવો માહોલ સર્જતા હોય છે, ત્યારે શહેરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં યુવતીને કોલેજકાળ દરમિયાન પ્રેમસંબંધમાં ફસાવી, ‘તકસાધુ’ યુવકે બાદમાં ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. યુવતી પાસેથી કટકે કટકે બે લાખથી વધુ રૂપિયા તથા કિમતી મોબાઇલ મેળવી લીધો હતો. યુવતીની સગાઈ નક્કી થયા બાદ પણ શખ્સ યુવતીને પરેશાન કરતો રહ્યો હતો. અંતે કંટાળી ગયેલ યુવતીએ પરિવારમાં વાત કરતા, યુવતીના પિતાએ મોરબી શહેર પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
મોરબી શહેરમાં રહેતા પરિવારની ૨૫ વર્ષીય દીકરી સાથે બનેલ બનાવ મામલે પીડિતાના પિતા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ડેનિશ મણીલાલ મુંદડીયા રહે. વિરપર તા.ટંકારા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જે ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદીની પુત્રી કોલેજમાં અભ્યાસ દરમ્યાન આરોપી ડેનીશ મુંદડીયા સાથે મિત્રતા વધતા તેમના વચ્ચે પ્રેમસંબંધ પાંગર્યો હતો. આ દરમિયાન આરોપીએ યુવતી સાથેના અંગત ક્ષણોના ફોટા મોબાઇલમાં પાડી લીધા હતા.
આ દરમિયાન પરિવાર દ્વારા યુવતીની વેવિશાળ માટે અન્યત્ર વાતચીત શરૂ થઈ હોય, ત્યારે આરોપી યુવાને ફોટા વાયરલ કરવાની ધમકી આપીને સંબંધ ચાલુ રાખવા યુવતી ઉપર દબાણ કર્યું હતું. આરોપીએ ક્યારેક દસ હજાર તો ક્યારેક વીસ હજાર રૂપિયાની માંગણી કરી, યુવતીને મજબુર કરતા ભયના કારણે કટકે કટકે આશરે રોકડા રૂ. ૨ લાખ ઉપરાંત ભોગ બનનાર યુવતીએ પોતાના સગા વ્હાલા તથા પરિચિત પાસેથી ઉછીના લઈને રૂ. ૯૩,૨૧૯ નો મોબાઇલ ફોન પણ ખરીદ કરી આ યુવકને આપ્યો હતો. આમ આરોપીએ રોકડ તેમજ મોબાઇલ સહિત અંદાજે રૂ.૩ લાખનો મુદ્દામાલ પડાવ્યો હતો.
આટલેથી પણ આરોપી અટક્યો ન હતો. તે સતત અલગ-અલગ નંબર પરથી કોલ અને મેસેજ કરીને યુવતીને પરેશાન કરતો તથા તેની સગાઈ તોડાવી નાખવાની પણ ધમકીઓ આપતો હતો. ત્યારે આખરે તમામ બાબતથી કંટાળી હતપ્રત થયેલ યુવતીએ માતાપિતાને વાત કરી હતી. ત્યારે યુવતીના પિતાએ કરેલ પોલીસ ફરિયાદના આધારે, સીટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ બ્લેકમેલિંગ, ધમકી તથા દબાણ કરીને રૂપિયા પડાવવાના ગુનાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.