હળવદ શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા યુવા નેતા તપનભાઈ દવેની મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી તરીકે થયેલી નિયુક્તિ નિમિત્તે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના આગેવાનો અને શહેરના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.
હળવદ શહેરમાં સમસ્ત બ્રહ્મ સમાજના આયોજન હેઠળ સેવાભાવી, રાષ્ટ્રભક્ત અને ગૌભક્ત યુવા નેતા તપનભાઈ દવેની મોરબી જીલ્લા ભાજપ મહામંત્રી તરીકે થયેલી નિયુક્તિ નિમિત્તે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે બ્રહ્મ સમાજના આગેવાનો તથા શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તપનભાઈ દવેને નવી જવાબદારી મળ્યા બાદ અત્યાર સુધીમાં ૨૦થી વધુ સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું હોવાનું કાર્યક્રમમાં જણાવાયું હતું. આ પ્રસંગે મોરબી જીલ્લા મુખ્ય સરકારી વકીલ વિજયભાઈ જાની, હળવદ નગરપાલિકા પ્રમુખ ફોરમબેન વિશાલભાઈ રાવલ, જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિપીનભાઈ દવે, પૂજ્ય દીપકદાશજી મહારાજ, નવલભાઈ શુક્લ, ભગતભાઈ રાવલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા અને તપનભાઈ દવેને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ તકે વક્તાઓએ જણાવ્યું હતું કે તપનભાઈ દવે સમાજ અને રાષ્ટ્રસેવામાં સતત સક્રિય રહી વિશેષ ઓળખ ઉભી કરી છે. ગૌસેવા, માનવસેવા અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓમાં તેમનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. તેમણે નેત્રયજ્ઞ કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, વિધવા સહાય, આયુષ્માન કાર્ડ કેમ્પ સહિત અનેક સેવાકીય કાર્યક્રમો દ્વારા જરૂરિયાતમંદોને સહાયરૂપ થવાનું કાર્ય કર્યું છે. વધુમાં જણાવ્યું હતું કે તપનભાઈ દવેની સફળતા પાછળ તેમના પરિવારનો મહત્વપૂર્ણ સહયોગ રહ્યો છે. તેમના પિતા રાજુભાઈ દવે, માતા વર્ષાબેન દવે, ધર્મપત્ની વંદનાબેન દવે, ભાઈ વિરલભાઈ તેમજ ભાઈજી બિપીનભાઈ દવેનું સતત પ્રોત્સાહન મળતું રહ્યું છે. તેમનો પરિવાર જનસંઘ સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે સક્રિય રીતે જોડાયેલો હોવાનું પણ જણાવાયું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા બ્રહ્મ સમાજના પ્રમુખ જિજ્ઞાસુભાઈ પંચોલી, મયુરભાઈ મહેતા, વિપુલભાઈ દવે, કેદારભાઈ રાવલ સહિત યુવા બ્રહ્મબંધુઓએ વિશેષ જહેમત ઉઠાવી હતી. અંતે સમાજજનો દ્વારા તપનભાઈ દવેને ભાવિ સમયમાં વધુ ઊર્જા સાથે સમાજસેવા અને રાષ્ટ્રસેવામાં આગળ વધવા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.









