હળવદ કા રાજા સાર્વજનિક ગણપતિ મહોત્સવ અંતર્ગત આજે શહેરમાં ભવ્ય નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનું ઉદ્ઘાટન શ્રીજી મલ્ટી સ્પેશિયલિટી હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. હિતેશ મોરડિયા તથા આગેવાન મહેમાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. મેડિકલ કેમ્પનો 225 દર્દીઓએ લાભ લીધો દવાઓ અને બ્લડની તપાસ પણ નિઃશુલ્ક કરાવી હતી.
આજરોજ હળવદ કા રાજા ગણપતિ મહોત્સવમાં નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ માં જરૂરી દવાઓ અને બ્લડ ટેસ્ટ સહિત કાનની બહેરાસની તપાસ પણ નિઃશુલ્ક કરવામાં આવી હતી. સાથે હાજર સૌ લોકોને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની તપાસ પણ કરવામાં આવી હતી. ત્યારે આ કેમ્પમાં ડૉ. ધ્રુવ આગજા–હાડકા નિષ્ણાંત, ડૉ. જયદીપ સાવલિયા–હૃદયરોગ અને ડાયાબિટીસ નિષ્ણાંત, ડૉ. રાજ પટેલ– કાન, નાક અને ગળાના નિષ્ણાંતએ માનદ સેવાઓ આપી હતી. સાથે દેવદયા ચેરિટેબલ ટ્રસ્ટ, વાંકાનેર દ્વારા કાનની બહેરાશની તપાસ કરવામાં આવી હતી અને જરૂરી દર્દીઓને કાનમાં સાંભળવા માટેના મશીનો પણ આગામી સમયમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામા આવશે. કેમ્પમાં 225 થી વધુ દર્દીઓએ સારવાર, આરોગ્ય માર્ગદર્શન, બ્લડ રિપોર્ટ તથા જરૂરી દવાઓનો નિઃશુલ્ક લાભ લીધો હતો.
આ આયોજનને સફળ બનાવવા માટે સમિતિના સંયોજક વિપુલભાઈ દવે, સહ-સંયોજક અશ્વિનભાઈ પટેલ તથા વિરલભાઈ દવે સહિત સમગ્ર મહોત્સવ સમિતિ, તબીબી ટીમ અને સેવાભાવી કાર્યકર્તાઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હતું. સમિતિ તરફથી જણાવાયું હતું કે, “ગણપતિ મહોત્સવ માત્ર ધાર્મિક ઉજવણી પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમાજ સેવા સાથે જોડાયેલો છે. ભવિષ્યમાં પણ આવા આરોગ્યલક્ષી અને જનહિતના કાર્યક્રમો સતત યોજી વધુમાં વધુ લોકોને લાભ અપાશે અને સમિતિ દ્વારા વિવિધ સેવાકીય કાર્યો થકી ગણપતિ દાદાની આરાધના કરવામાં આવશે”