વિજયા દશમીના અવસરે મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા મહારાણા પ્રતાપ સર્કલથી ન્યુ પેલેસ સુધી ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજપૂત સમાજના ભાઈઓ પરંપરાગત વેશભૂષા, રાજપૂતી સાફા અને શસ્ત્રો સાથે જોડાયા હતા. ન્યુ પેલેસ ખાતે મોમાઈ માતાજીના મંદિરે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્ર પૂજન યોજાયું હતું.
મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા વિજયા દશમીના તહેવારના પાવન અવસરે ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહારાણા પ્રતાપ સર્કલથી શરૂ થયેલી આ મહારેલી ન્યુ પેલેસ ખાતે આવેલ મોમાઈ માતાજીના મંદિરે પહોંચી હતી. આ મહારેલીમાં સમાજના સભ્યો પરંપરાગત રાજપૂતી વેશભૂષા, રજવાડી સાફા તથા તલવાર સહિતના શસ્ત્રો સાથે જોડાયા હતા, જે એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઝલક પ્રદર્શિત કરતી હતી. ન્યુ પેલેસ ખાતે પહોંચ્યા બાદ મોમાઈ માતાજીના મંદિરે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ મોરબી રાજવી પરિવારના વિશાલઆદિત્યસિંહ જાડેજા (વિશાલબાપા)ની અધ્યક્ષતામાં યોજાયો હતો.
આ પ્રસંગે મોરબી જીલ્લા રાજપૂત સમાજના મહામંત્રી મહાવીરસિંહ એન. જાડેજાએ જણાવ્યું કે, શસ્ત્ર પૂજન એ ક્ષત્રિય સમાજ માટે ગૌરવ અને પરંપરાનું પ્રતિક છે. વિજયા દશમી અસુરી શક્તિ ઉપર દૈવી શક્તિના વિજયનો પ્રતિક છે અને ક્ષત્રિય સમાજ માટે આ તહેવાર ખાસ મહત્વ ધરાવે છે. મોરબી શહેરની રાજપૂતી પરંપરા, એકતા અને ગૌરવને ઉજાગર કરતો આ ભવ્ય કાર્યક્રમ સમાજના સભ્યો માટે યાદગાર બની રહ્યો હતો.