રબારી સમાજ આજના ડિજિટલ યુગમાં પણ ધરતી માતાના ખોળે સીધો નાતો ધરાવતો હોવાથી ઊંટ – બળદગાડા – ઘોડા સાથે નીકળશે ભવ્ય સામૈયુ, જેમાં નાસિક ઢોલ, રાસમંડળી, લાકડી દાવના આકર્ષણો ઉપરાંત પરંપરાગત વસ્ત્રો સાથે રાસ લઈ રબારી સમાજ જુના જમાનાની લગ્ન પ્રથાને બનાવશે જીવંત : 15 હજાર જેટલા મહેમાનો ઉમટશે : 1500થી વધુ સ્વયમસેવકોની ટિમ વ્યવસ્થામાં રહેશે ખડેપગે
મોરબી : મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ અને સામાજિક જાગૃતિ માટે સક્રિય રહેતાં મચ્છુ કાંઠા હાલાર રબારી સમાજના સંગઠન એવા શ્રી વડવાળા યુવા સંગઠન દ્વારા આગામી તા.25મેને રવિવારના રોજ મોરબીના લીલાપર- કેનાલ રોડ ઉપર રામકો રેસિડેન્સી પાસે આવેલ ઉમિયા નવરાત્રી ગ્રાઉન્ડમાં ચતુર્થ સમૂહ લગ્નોત્સવનું ભવ્યાતિભવ્ય રીતે આયોજન કરાયું છે.આ સમૂહ લગ્નોત્સવમાં રબારી સમાજની 42 દીકરીઓના તમામ કોડ પુરા કરીને ઠાઠમાઠથી લગ્ન કરાવી સાસરે વળાવવામાં આવશે.
રબારી સમાજના સમૂહ લગ્નોત્સવમાં મોરબી ઉપરાંત સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ સહિત રાજ્યભરમાંથી 15 હજારથી વધુ મહેમાનો હાજરી આપશે. આ અવસરે અધ્યક્ષ સ્થાને શ્રી વડવાળા મંદિર- દુધરેજના મહામંડલેશ્વર પૂ. કનીરામદાસજી બાપુ ગુરૂ કલ્યાણદાસજી બાપુ ખાસ ઉપસ્થિત રહી દીકરીઓને આર્શીવાદ આપશે. તેમજ પૂ. રામબાલકદાસજી બાપુ ગુરૂ પુરણદાસજીબાપુ અને પૂ. બંસીદાસજી બાપુ ગુરુ જીણારામદાસજી બાપુ સહિત મોટી સંખ્યામાં સંતો-મહંતો ઉપસ્થિત રહી આશિવર્ચન આપશે. આ વેળાએ સમાજ રત્ન અને દાનવીર એવા રાજ્યસભાના સાંસદ બાબુભાઇ દેસાઈ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, વિનોદભાઈ ચાવડા, પૂનમબેન માડમ, ધારાસભ્યો કાંતિલાલ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા, જીતુભાઇ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરા સહિત અનેક રાજકીય આગેવાનો અને અધિકારીઓની પણ પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહેશે.
આ સમૂહલગ્નમાં તા.25ને રવિવારના રોજ રવાપર રોડ ખાતેથી લગ્ન સ્થળ સુધી ભવ્ય સામૈયુ યોજાશે. જેમાં ઊંટ, બળદ ગાડા, ઘોડા અને પરંપરાગત વસ્ત્રો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાઈને હુડો, ટીટોડો, રાસ ગરબા રજૂ કરશે.સામૈયામાં નાસિક ઢોલ, રાસમંડળી, લાકડી દાવના પ્રયોગો પ્રસ્તુત કરાશે. સામૈયા દરમિયાન રસ્તામાં પાણી અને શરબત સહિતની વ્યવસ્થા ગોઠવાશે. બાદમાં બપોરે 3 વાગ્યે ઉમિયા નવરાત્રી ગ્રાઉન્ડ ખાતે જાન આગમન થશે. અહીં ભવ્ય એસી ડોમ સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. સાંજે 6 વાગ્યે સ્ટેજ કાર્યક્રમ શરૂ થશે. બાદમાં સાંજે 7 કલાકે હસ્ત મેળાપની વિધિ પછી મહાપ્રસાદ અને રાત્રીના સંગીત કાર્યક્રમ યોજાશે.
આ અંગે વિગતો આપતા શ્રી વડવાળા યુવા સંગઠનના દેવેનભાઈ રબારીએ જણાવ્યું છે કે, રબારી સમાજે સમય સાથે તાલ મિલાવી શિક્ષણ મેળવી ડીઝીટલ યુગમાં જોડાયેલો હોવા છતાં જુના મૂલ્યો અને સંસ્કૃતિ તેમજ સંસ્કાર ભુલ્યો નથી. રબારી સમાજ ધરતી માતાના ખોળે રહેતો અને પર્યાવરણ તેમજ પ્રકૃતિ સાથે જોડાયેલો સમાજ છે. આથી રબારી સમાજની આ પરંપરાગત ઝાંખી જાજરમાન લગ્નોત્સવમાં જોવા મળશે. આ લગ્ન સમૂહલગ્ન જેવા નહિ પણ એક અભૂતપૂર્વ પ્રસંગ જેવા લાગશે, કારણ કે, દીકરીઓની ભવ્ય એન્ટ્રીથી લઈ સંગીત કાર્યક્રમ જેવા અનેક આયોજનો કરવામાં આવ્યા હોવાથી દીકરીઓ અને સમગ્ર સમાજ માટે આ અવસર અદભુત બની રહેશે. આ પ્રસંગમાં 2500થી વધુ સ્વયમ સેવકોની ફોજ ખડેપગે રહેશે. અહીં વિશાળ પાર્કિંગ વ્યવસ્થા રાખવામાં આવી છે. જેમાં 700 જેટલા સ્વયમ સેવકો મદદ માટે રહેશે. સુરક્ષા વ્યવસ્થા માટે 500 જેટલા સિક્યુટિ ગાર્ડ રહેશે. એકંદરે આ સમૂહલગ્ન એ સમગ્ર મચ્છુ કાંઠા હાલાર રબારી સમાજ માટે જીવનભરનું યાદગાર સંભારણું બની તેવું આખું આયોજન કરવામાં આવ્યું છે.
બોક્સ
યુગલોના ગામમાં 100-100 વૃક્ષ વવાશે, મહેમાનોને બોન્સાઇ વડની ભેટ અપાશે
રબારી સમાજના સમૂહ લગ્નમાં જે દીકરા અને દીકરીઓના લગ્ન થઈ રહ્યા છે તે તમામના ગામમાં લગ્નના આગલા દિવસે એટલે કે તા.24ના રોજ વડવાળા યુવા સંગઠન દ્વારા 100-100 વૃક્ષનું વાવેતર કરવામાં આવશે અને તે વૃક્ષને ઉછેરવાની જવાબદારી જે તે પરિવાર નિભાવશે. વધુમાં લગ્નમાં આવનાર દરેક મહેમાનોને બોન્સાઇ વડની ભેટ અપાશે. આ એક લીલુંછમ હરિયાળું બનાવવાની સુંદર પહેલ કરવામાં આવી છે.
બોક્સ
મેડિકલ કેમ્પ, વ્યસન મુક્તિ અને અંગદાન જાગૃતિના કાર્યક્રમો યોજાશે
સમૂહ લગ્નમાં આવનાર દરેક લોકોના આરોગ્યની સંભાળ રાખવા માટે અહીં મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાંત તબીબોની ટિમ સેવા આપવાની છે. આ સાથે લગ્ન દરમિયાન વ્યસન મુક્તિ, અંગદાન અને દેહદાન જાગૃતિના કાર્યક્રમો પણ યોજાશે.
બોક્સ
રાત્રે સંગીત કાર્યક્રમ, અનેક નામી કલાકારો સુરો રેલવાશે
સમુહલગ્નમાં રવિવારે રાત્રે વડાવલ 10 કલાકે સંગીત કાર્યક્રમ યોજાશે. જેમાં સુપ્રસિદ્ધ લોકગાયિકા રસ્મિતાબેન રબારી, ગાયક દેવપગલી, માલધારી મોરલો અને દાંડિયા કિંગ તરીકે જાણીતા યુનુસભાઈ શેખ, લોકગાયિકા મિતલબેન રબારી વિશ્વાબેન રબારી અને કુલદીપ રબારી સુરો રેલવાશે. તેમના સુર ઉપર મોટી સંખ્યામાં લોકો રાસ લેશે. આ કાર્યકમનું સંચાલન શૈલેષભાઇ રાવલ કરશે.