કેન્સરને હરાવી પરત ફરેલા રાજયમંત્રી અને ધરાસભ્યનું શહેરભરમાં ભવ્ય સ્વાગત, ગુંડા તત્વો અને વ્યાજખોરોને કડક ચેતવણી.
કેન્સરની સારવાર બાદ મોરબી પરત ફરેલા રાજયકક્ષાના મંત્રી અને મોરબી-માળીયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના સન્માનમાં શહેરમાં ભવ્ય આશીર્વાદ રેલી યોજાઈ હતી. ત્યારે આ રેલીનું વિવિધ વિસ્તારોમાં લોકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બાપાસીતારામ ચોક ખાતે વિશાળ જનસભામાં તેમણે વિકાસ કાર્યો અંગે માહિતી આપી તેમજ ગુંડાગીરી સામે કડક વલણ અપનાવવાની ચેતવણી આપી હતી.
મોરબી શહેરમાં કેન્સરની સારવાર બાદ સ્વસ્થ થઈ પરત ફરેલા રાજયમંત્રી કાંતિભાઈ અમૃતિયાના સન્માનમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીની શરૂઆત ઉમા ટાઉનશીપ ખાતે આવેલ ઉમિયા માતાજીના મંદિરે મહાઆરતી સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ રેલી દરબારગઢથી પ્રસ્થાન કરી ગ્રીન ચોક, નહેરુ ગેટ અને રવાપર રોડ માર્ગે બાપા સીતારામ ચોક સુધી પહોંચી હતી, જ્યાં વિશાળ જનસભા યોજાઈ હતી. રસ્તામાં ઠેર-ઠેર વિવિધ સંસ્થા અને હકડેઠઠ જનમેદની દ્વારા કાંતિભાઈનું ફૂલહારોથી સ્વાગત કરવામાં આવ્યું હતું, જ્યારે સંસ્કૃત વિદ્યાલયના વિદ્યાર્થીઓએ મંત્રોચ્ચાર કરીને ધાર્મિક માહોલ સર્જ્યો હતો. આ કાર્યક્રમમાં પાટીદાર સમાજના અગ્રણીઓ, સિરામિક એસોસિએશનના પ્રમુખો અને પૂર્વ પ્રમુખો, જીલ્લા ભાજપ મહામંત્રી તપન દવે, શહેર ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
સભામાં સંબોધન કરતા કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે છેલ્લા બે મહિનાથી તેઓ મોરબી આવી શક્યા ન હોવાથી તેમને ખેદ હતો, પરંતુ આજે લોકોનો પ્રેમ જોઈ તેમની ઉર્જા દસગણી વધી ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે મોરબીને કોર્પોરેશનનો દરજ્જો આપ્યો છે અને બજેટ ૭૦૦ કરોડથી વધારીને ૧૧૫૦ કરોડ કરવામાં આવ્યું છે, જેમાંથી લગભગ અડધા વિકાસ કાર્યો શરૂ થઈ ગયા છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તેમણે ભાજપના ઉમેદવારોને જીતાડવા અપીલ કરી હતી, જેથી વિકાસના કાર્યોમાં કોઈ અડચણ ન આવે. સાથે જ તેમણે ગુંડા તત્વોને ચેતવણી આપતા જણાવ્યું હતું કે રાત્રિના સમયે વાહનોના કાચ તોડવા, વેપારીઓ પર હુમલા જેવી ઘટનાઓ સહન કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે પોલીસ પોતાની કામગીરી કરશે, પરંતુ હવે તેઓ પોતે પણ અઠવાડિયામાં એકવાર રાઉન્ડ લઈને ગેરરીતિ સામે કડક પગલાં લેશે.
તેમણે વધુમાં જણાવ્યું કે લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે પોલીસ સાથે સંકલન કરીને લોકદરબાર યોજવામાં આવી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર આવતાં કોઈપણ ગુનાહિત વિડિઓ સીધા તેમને મોકલવા અપીલ કરી. કેન્સર જેવી ગંભીર બીમારી સામે પોતાની લડતનો અનુભવ શેર કરતા કાંતિભાઈએ જણાવ્યું કે શરૂઆતમાં નાની ગાંઠ બાદમાં મોટી બની ગઈ હતી અને તેમનું સાત કલાક લાંબું ઓપરેશન કરવામાં આવ્યું હતું. તેમણે દર્દીઓને સંદેશ આપ્યો કે મજબૂત મનોબળ અને જુસ્સાથી કોઈપણ બીમારીને હરાવી શકાય છે.
આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ કાંતિભાઈની વાપસીને ભગવાન રામના વનવાસ બાદ અયોધ્યા પરત ફરવાના પ્રસંગ સાથે સરખાવી હતી. તેમણે ગુંડાઓ અને વ્યાજખોરોને કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવશે. આ તકે ઉદ્યોગપતિ નિલેશ જેતપરીયાએ પણ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે કાંતિભાઈની વાપસી મોરબી માટે નવા ઉત્સાહનું પ્રતિક છે. છેલ્લા ઘણા વર્ષોથી ઉદ્યોગોના પ્રશ્નોમાં તેમણે મક્કમ નેતૃત્વ આપ્યું છે અને હવે તેમના પરત આવવાથી અસામાજિક તત્વો માટે ખરાબ દિવસોની શરૂઆત થઈ ગઈ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે કાંતિભાઈના નેતૃત્વમાં મોરબીમાં શાંતિ અને વિકાસને વધુ વેગ મળશે.









