મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા તથાગત બુદ્ધ હૉલ મોરબી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને ‘બેટી બચાવો બેટી પઢાવો’ તથા ‘પૂર્ણા યોજના’ અંતર્ગત ‘કિશોરી મેળો’ યોજાય હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘીએ કિશોરીઓને જણાવ્યું હતું કે, નિયમિત આરોગ્ય વિષયક તપાસ કરાવી સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવો જોઈએ. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજાએ પરિવારમાં દીકરી અને પુત્રવધુના મહત્વ વિશે વાત કરી હતી તેમજ કિશોરીઓના જીવનમાં મીલેટ્સનું મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારિયાએ કહ્યું હતું કે, આંગણવાડીમાં મળતા લાભોથી કોઈ કિશોરી વંચિત ન રહે અને વાલીઓને કિશોરીઓની શારીરિક તપાસ નિયમિત કરાવવા સૂચન કર્યું હતું તેમજ દીકરા-દીકરીઓ વચ્ચે અસમાનતા ઘટાડવા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીનો આભાર માન્યો હતો. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી કે.વી. કાતરીયાએ દીકરીઓના શિક્ષણની સાથે પોષણ સ્તરમાં સુધારો લાવવાની દિશામાં રાજ્ય સરકારની કામગીરી અને યોજનાકીય માહિતી વિશે દીકરીઓને સમજ પુરી પાડી હતી. જિલ્લા પ્રોગ્રામ અધિકારી ડૉ. ડી.વી. બાવરવાએ પોષણ સ્તરમાં સુધારો કરવા માટે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા થઈ રહેલી કામગીરીથી દીકરીઓને વાકેફ કરીને પૂર્ણાશક્તિ યોજના અંગે માહિતી પુરી પાડી હતી અને કિશોરીઓને આર્યનની ગોળીઓ લેવાની ભલામણ કરી હતી. બાળ વિકાસ યોજના અધિકારી મયુરીબેન ઉપાધ્યાયે કુપોષણના ચક્રને અટકાવવા માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પ્રોટેક્શન ઓફિસર નિલેશ્વરીબા ગોહિલે ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના વિશે માહિતી આપી હતી. બાળ સુરક્ષા અધિકારી ડો. વિપુલભાઈ શેરશિયાએ પાલક માતા-પિતા અને મુખ્યમંત્રી બાળ સેવા યોજના વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના નસીમબેન પોપટએ મહિલા તેમજ કિશોરીઓને ફ્રી કાનૂની સેવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. સૌએ દીકરીઓને મિલેટ્સમાંથી તૈયાર કરવામાં આવેલી વાનગીઓનું સેવન કરીને પોતાના સ્વાસ્થ્યની સુરક્ષાની જાતે કાળજી લેવા પ્રેરિત કર્યા હતા. કાર્યક્રમ સ્થળ પર કિશોરીઓને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહીતગાર કરતાં મહિલા અને બાળ વિકાસ વિભાગ, સરકારી બેંક અને પોસ્ટ ઓફીસ, શ્રમ અને રોજગાર વિભાગ, ગૃહ વિભાગ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ સહિતના જુદી જુદી કચેરીઓના સ્ટોલ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. જેમાં યોજનાકીય માહિતી તથા પેમ્પ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મિલેટ્સમાંથી બનાવેલી જુદી જુદી વાનગીઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ કિશોરી મેળા અન્વયે ૫ દીકરીઓને ‘વ્હાલી દીકરી યોજના’ સહાય હેઠળ રૂ.૧,૧૦,૦૦૦ ના હુકમ અર્પણ કરવામાં આવ્યા હતા. કિશોરીઓ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને પહેરવેશને ઉજાગર કરતું રેમ્પ વોક કરવામાં આવ્યું હતું. કિશોરી સ્વાતિ ભટ્ટએ પોતાને મળેલા સરકારી યોજનાના લાભો વિશે સૌને માહિતગાર કર્યા હતા. કિશોરી મેળા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેઘી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી હીરાભાઈ ટમારીયા, મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા, જિલ્લા મહિલા અને બાળ અધિકારી કે.વી.કાતરીયા, જિલ્લા પ્રોટેક્શન ઓફિસર નિલેશ્વરીબા ગોહિલ, જિલ્લા પ્રોગ્રામ અધિકારી ડૉ. ડી.વી. બાવરવા, બાળ વિકાસ યોજના અધિકારી મયુરીબેન ઉપાધ્યાય, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિપુલભાઈ શેરશિયા, કાનૂની સેવા સત્તા મંડળના નસીમબેન પોપટ અગ્રણી સર્વશ્રી જેઠાભાઈ પારેધી આંગણવાડી કાર્યકર બહેનો કિશોરીઓ અને વાલીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.