મોરબીના યુવકનું તાવની બીમારી સબબ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. જેમાં યુવકને ત્રણ દિવસ પૂર્વે તાવ આવેલ હોય જેની દવા યુવકની ચાલુ હોય દરમિયાન તેની ગઈકાલે તબિયત વધુ લથડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ તેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં રવાપર રોડ પર આવેલ નવા બનતા લોટસ એપાર્ટમેંટમાં રહેતા ઢેડીયાભાઈ જંગલીયાભાઈ બામણિયા નામના યુવકને ગત તા.૨૭/૦૭/૨૦૨૩ ના રોજ તાવ આવતા રવાપર રોડ પર આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતેથી તેણે દવા રિપોર્ટ કરાવી હતી. જે બાદ તે પોતાના ઘર લોટસ એપાર્ટમેન્ટ નવા બનતા ફ્લેટમાં જતો રહેલ હોય જેની ગઈકાલે તા.૨૯/૦૭/૨૦૨૩ ના રોજ તબીયત અચાનક વધુ ખરાબ થતા બોલેરો ગાડી મારફતે તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે યુવકને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી હતી.