એ ડિવિઝન પોલીસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૩૫ બોટલ તથા ૨૦ બિયરના ટીન સાથે એકને દબોચ્યો
મોરબીમાં ૩૧ ડિસેમ્બર નિમિતે શહેરમાં બુટલેગરો દ્વારા વિદેશી દારૂનો માલ મંગાવી દારૂની રેલમછેલ કરવાના મનસૂબા ઉપર સીટી એ ડિવિઝન પોલીસે કાયદેસરની તવાઈ બોલાવી હોય તેમ એક પછી એક સ્થળોએ દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો પકડી લેવામાં આવ્યો છે, ત્યારે સીટી એ ડિવિઝન પોલીસ ટીમે વધુ એક સ્થળેથી વિદેશી દારૂ-બિયરનો જથ્થો પકડી લેવામાં આવ્યો છે જેમાં શહેરના મુખ્ય રોડ એવા શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ સામે આવેલ શ્રીનંદ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાંથી વિદેશી દારૂની ૩૫ બોટલ તેમજ બિયરના ૨૦ નંગ ટીન સાથે એક ઇસમની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે માલ આપી જનાર આરોપીનું નામ ખુલતા તેને વોન્ટેડ દર્શાવી બંને આરોપીઓ સામે પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલ શ્રીનંદ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ માટે ઉતારેલ હોવાની ખાનગીરાહે મળેલ બતમીને આધારે સીટી એ દુવિઝન પોલીસ ટીમે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા ઓફિસમાં ટેબલના ખાનામાં વિદેશી દારૂની વોડકા, વ્હિસ્કી, સ્કોચ જેવી વિવિધ મોંઘીદાટ શરાબની ૩૫ બોટલ મળી આવી હતી, સાથે બિયરના ૨૦ નંગ ટીન એમ કુલ કિ.રૂ.૩૫,૩૯૩/- નો જથ્થો મળી આવ્યો હતો, આ સાથે સીટી એ ડિવિઝન પોલીસે આરોપી સાવનભાઈ મનુભાઈ ડાંગર ઉવ.૨૫ રહે.શનાળા રોડ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ બ્લોક નં.એમ-૭૫૮ વાળાની ધરપકડ કરવામાં આવી છે, વધુમાં પકડાયેલ આરોપીની પૂછતાછમાં વિદેશી દારૂનો જથ્થો મોરબી તાલુકાના જશાપરના મુન્નાભાઈ ચાવડા પાસેથી વેચાણ કરવાના ઇરાદે મેળવેલ હોવાનું જણાવતા પોલીસે તે આરોપીને ફરાર દર્શાવી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. હાલ પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.