મોરબી શહેરની અવની ચોકડી પાસે વરસાદી પાણીના નિકાલના અભાવે ચોમાસા દરમિયાન દિવસો સુધી પાણી ભરાઈ જતું હોય આ પાણીનો કાયમી નિકાલ કરવાની માંગ સાથે ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરીએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.
ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લખેલ પત્રમાં જણાવ્યું હતું કે, મોરબીમાં અવની ચોકડી નામે વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં છેલ્લા ચાર પાંચ વર્ષથી દર ચોમસે વરસાદના પાણી ભરાય છે. અને લોકોને પોતાના ઘરેથી ધંધાના સ્થળે કે નાના બાળકોને સ્કુલે જવામાં કે મહિલાઓને શાકભાજી કે અન્ય ઘર માટેની ખરીદી કરવા જવા આવવામાં ખુબ જ મુશ્કેલી ઉભી થાય છે. આ જગ્યાએ મોરબીના રવાપર વિસ્તારનું પાણી જે પહેલા ન હોતું આવતું તે ડાયવર્ટ થઈને ખુબ જ મોટા પ્રમાણમાં આવે છે. અને ઘણા દિવસ સુધી ચાલુ રહે છે. આ પાણીની ઊંડાઈ ત્રણ ફૂટ જેટલી હોય છે. જેના કારણે ટુ વ્હીલર વાહન કે ફોર વ્હીલર વાહનને આવ જાવ કરવામાં પણ મુશ્કેલીઓ પડે છે. આ સ્થિતિ હોવાથી ક્યારેક અકસ્માત થવાની શક્યતા પણ રહેલી છે. નાના બાળકો કે કોઈની જાન હાની થાય તે પહેલા આ કામ થાય તે જરૂરી છે.
તેમણે પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, આ બાબતે સ્થાનિક તંત્રને તેમજ આપને પણ આગાઉ રજુઆતો કરવામાં આવેલ છે. હવે ચોમાસાને ફક્ત એક મહિનાથી પણ ઓછો સમય રહેલ છે. અને હજુ કામના કોઈ ઠેકાણા નથી. જો આ કામ કરવામાં નહિ આવે તો આગામી ચોમાસામાં લોકોને હોળીઓ વસાવવી પડશે. તેવી વાતો લોકો કરી રહ્યા છે. તો અમારી માંગણી છે કે તાકાલીક આ કામો મંજુર કરીને ચાલુ કરવામાં આવે. જો આવું કરવામાં નહિ આવે તો અમારે ના છૂટકે સ્થાનિક લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆતો કરવાની ફરજ પડશે. તેમ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રીને લખેલ પત્રમાં જણાવ્યું હતું.