વાંકાનેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય તેમ લુખ્ખાતત્વો દ્વારા શહેરમાં અમારો વિસ્તાર, તમારો વિસ્તાર તેવા ભાગલા પાડી સમાજના લોકોમાં રોફ જમાવી છાસવારે નજીવી બાબતે ઝઘડો કરતા હોય છે ત્યારે આવો જ એક બનાવ સામે આવ્યો છે. વાંકાનેર સિટીમાં ગ્રીન ચોક વિસ્તારમાં પાંચ દિવસ પહેલા બે યુવકો કોઈ કામ સબબ ગયા હોય ત્યારે આવરાતત્વ દ્વારા અહીં કેમ ઉભા છો આ અમારો વિસ્તાર છે તેમ કહી બોલાચાલી કરી બંને યુવકોને ત્યાંથી હાંકી કાઢ્યા હોય જે બાબતે સમાધાન કરવા યુવકના નાના ભાઈને અને તેના મિત્રને બોલાવી આવારા અને લુખ્ખાતત્વો દ્વારા બંને યુવકને ઢીકાપાટુનો માર મારી છરીથી ઇજા કરતા ફરિયાદ નોંધાવાઇ છે. હાલ પોલીસતંત્ર દ્વારા લુખ્ખાતત્વો સામે કડક પગલા લઇ લુખ્ખાઓની શાન ઠેકાણે લાવવાની સ્થાનિકો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે.
સમગ્ર બનાવ બાબતની પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેર સિટીના ભાટીયા સોસાયટી શિવાજી પાર્ક શેરી નં.૩ માં રહેતા મયુરસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં આરોપી ઈનાયત ઉર્ફે ઈલુ રહે લક્ષ્મીપરા વાંકાનેર તથા અલાઊદીન સમા રહે વાંકાનેર વિરુદ્ધ ફરિયાદ નોંધી જાહેર કર્યું કે પાંચ દિવસ પહેલા મયૂરસિંહના મોટાભાઈ જીતેન્દ્રસિંહ અને તેનો મિત્ર વાંકાનેરના ગ્રીન ચોક વિસ્તારમાં કોઈ કામ સબબ ગયા હોય ત્યારે ત્યાં આરોપી ઇનાયત ઉર્ફે ઇલુ આવીને કહેવા લાગેલ કે આ અમારો વિસ્તાર છે અહીં કેમ ઉભા છો તેમ કહી બોલાચાલી કરી ઝઘડો કરી બંને યુવકોને ભગાડી મુક્યા હતા જે બાબતે ગત તા.૨૪/૦૨ના રોજ રાત્રીના ૧૨:૩૦વાગ્યાના અરસામાં મયુરસિંહ દ્વારા સમાધાન માટે આરોપી ઈનાયતને ફોન કરતા તેને કહ્યું હું લક્ષ્મીપરાએ છું તમે ત્યાં આવો ત્યારે મયુરસિંહ તથા તેનો મિત્ર ઓમદેવસિંહ બંને ત્યાં જતા આરોપી ઇનાયત સાથે સમાધાન માટે વાત કરતા હોય ત્યારે પૂર્વ આયોજિત આરોપી અલાઉદીન સમા તેની સ્વીફ્ટ કાર રજી. નં.૦૦૯૩માં ધસી આવી મયુરસિંહ અને ઓમદેવસિંહને ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગેલ અને આરોપી ઇનાયતે તેના પેન્ટના નેફામાંથી છરી કાઢી મયૂરસિંહને આંખની સાઈડમાં છરીનો એક ઘા માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા ત્યારે દેકારો થતા આજુબાજુના લોકો ભેગા થઇ જતા મયુરસિંહ અને ઓમદેવસિંહ ત્યાંથી ભાગી છૂટ્યા હતા. ત્યારે બનાવ અંગે મયુરસિંહની ફરિયાદના આધારે વાંકાનેર સીટી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.