મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં પ્રોહી.ની બદી સદંતર નાબૂદ કરવા પોલીસ તંત્રને સખત સૂચનો આપેલ છે. જેને પગલે મોરબી જિલ્લા પોલીસ તંત્ર પણ એલર્ટ છે. જે પોલીસ દ્વારા કરવામાં આવતી વિવિધ રેઇડના આંકડાઓ પરથી જ જાણી શકાય હે. ત્યારે મોરબી લીલાપર ચોકડી પાસેથી મોરબી એલ.સી.બી.એ ૪૭૫ લીટર કેફીપ્રવાહી સાથે એક શખ્સને પકડી પાડ્યો છે.
મળતી માહિતી અનુસાર એલ.સી.બી.મોરબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એન.એચ.ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો દ્વારા દારૂબંધીના દુષણને નાથવા ઠેર ઠેર રેઇડ કરવામાં આવી રહી છે તે દરમિયાન આજે પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, GJ-13-CC-4756 નંબરની રેનોલ્ટ કંપનીની સફેદ ડસ્ટર ગાડીમાં અલી મામદભાઇ પલેજા તથા તેનો ભાઇ ઇમરાન મામદભાઇ પલેજાએ પાસ પરમીટ વગર આ ગાડીમાં કેફી પ્રવાહી મંગાવેલ છે. જે હકીકતને ધ્યાને લઈ પોલીસે છટકો ગોઠવ્યો હતો અને લીલાપર ચોકડી ખાતે ગાડી માટે વોચ ગોઠવી હતી. ત્યારે ગાડી ત્યાં આવતાની સાથે જ પોલીસે તેને રોકી રૂ. ૯,૫૦૦/-ની કિંમતનો ૪૭૫ લીટર પ્રવાહી તથા રેનોલ્ટ કંપનીની ડસ્ટર ગાડી મળી કુલ કિ.રૂ. ૩,૧૪,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી એક આરોપીને પકડી પાડી પાડ્યો છે. અને પોલીસે આરોપીની સઘન પૂછપરછ કરતા તેણે મનોજભાઇ મોહનભાઇ સાગઠીયા, ઇમરાન મામદભાઇ પલેજા અને ભરતભાઇ શાંતુભાઇ ધાધલ એમ ત્રણ અન્ય તેના સાથી આરોપીઓના નામ કબુલ્યા છે. ત્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન ધારા હેઠળ ચારેય આરોપીઓ વિરૂધ્ધ ગુનો નોંધી અન્ય આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.