મોરબી એસ.ઓ.જી. ટીમે ટંકારા ખાતે નાર્કોટીકસ માદક પદાર્થ મેફેડ્રોન સાથે એક ઇસમને ઝડપી લીધો છે. પોલીસે રહેણાંક મકાનમાંથી મેફેડ્રોન, મોબાઇલ અને વજનકાંટો મળી કુલ રૂ.૨.૮૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પકડાયેલ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ મથકે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.
મોરબી એસ.ઓ.જી. ટીમને બાતમી મળી હતી કે હાર્દિકભાઈ નરેન્દ્રભાઈ ભાડજા રહે. હરીઓમ સોસાયટી ટંકારા વાળો પોતાના કબજા-ભોગવટાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે નાર્કોટીકસ માદક પદાર્થ મેફેડ્રોન પાઉડર રાખી ખાનગી રીતે ગ્રાહકોને વેચાણ કરે છે. આ બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમ દ્વારા બાતમીવાળી જગ્યાએ રેઇડ કરવામાં આવી હતી.
રેઇડ દરમિયાન આરોપીના રહેણાંક મકાનમાંથી નાર્કોટીકસ માદક પદાર્થ મેફેડ્રોન ૮૩ ગ્રામ ૨૦૦ મિલિગ્રામ કિ.રૂ.૨,૪૯,૬૦૦/-, મોબાઇલ ફોન નંગ-૨ કિ.રૂ.૩૦,૦૦૦/- તથા ડિજિટલ વજનકાંટો નંગ-૧ કિ.રૂ.૫૦૦/- મળી આવ્યા હતા. આ રીતે કુલ રૂ.૨,૮૪,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. મળેલ મુદ્દામાલના આધારે આરોપી હાર્દિકભાઈ નરેન્દ્રભાઈ ભાડજા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ બાબતે આરોપી સામે ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી એસઓજી ટીમે આગળની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.









