મોરબી જીલ્લામાં દેશી-વિદેશી દારૂનો વેપલો અને હેરાફેરી કરતા બુટલેગરો પર જીલ્લા પોલીસતંત્રએ ધોંસ બોલાવી છે. બુટલેગરો નિતનવા નુસ્ખા અપનાવી વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. ત્યારે મોરબી તાલુકા પોલીસે મોરબી તાલુકાના ઝીઝુડા ગામથી સોલંકીનગર ગામ તરફ જતા રોડ ઉપર એક્ટિવામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઈસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી તાલુકા પોલીસની ટીમ ગઈકાલે મોરબી તાલુકાના ઝીઝુડા ગામથી સોલંકીનગર ગામ તરફ જતા રોડ ઉપર ચેકિંગમાં હતી. ત્યારે તેઓએ શંકાના આધારે કાળા કલરના એક્ટીવાને રોકી તેના ચાલક સંજયભાઇ મેરૂભાઇ સોમાણી (રહે. વવાણીયા ગામ મોટા કોળી વાસમા તા.માળીયા(મિ.). જી.મોરબી)ની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ નહિ મળતા પોલીસે એક્ટિવાની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં.૦૧ સુપીરીયર વ્હીસ્કીની કાચની કંપની શીલપેક રૂ.૩૭૫/-ની કિંમતની કુલ 35 બોટલ તથા એડ્રીલ ડાર્ક રમની રૂ.૩૪૦/-ની કિંમતની શીલ પેક ૧૧ બોટલ મળી કુલ રૂ.૧૬,૮૬૫/- તથા એક્ટીવાની કિંમત રૂપિયા ૨૦,૦૦૦/- સહીત કુલ રૂપિયા ૩૬,૮૬૫/-નો મુદ્દામાલ કબ્જે કરી સંજયભાઇ મેરૂભાઇ સોમાણી નામના આરોપીની અટકાયત કરવામાં આવી છે.