મોરબીમાં હચમચાવીદે તેવો કિસ્સો સામે આવ્યો છે.જેમાં સ્પા સંચાલક પ્રેમિકાએ અમદાવાદના પોલીસ કર્મચારી સાથે મળીને યુવક પર ખોટા આક્ષેપો કરી રૂપિયા પડાવ્યા હતા તેમજ જે રૂપિયા તે અન્ય એક વ્યક્તિ પાસેથી વ્યાજે લઇને આવ્યો હોય તે પણ તેને ધમકાવતો હોય તેથી આ બધી બાબતોથી કંટાળી પરિણીત યુવકે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી હતી.જે સમગ્ર મામલે મૃતકનાં મોટાભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્પા સંચાલક મહિલા, અમદાવાદ પોલીસ કર્મચારી અને મોરબીના એક વ્યાજખોર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે મહિલા આરોપી સ્પા સંચાલક મારિયા ની ધરપકડ કરી અન્ય બે આરોપીઓને પકડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મોરબીના સીરામીક સીટી વિસ્તારમાં રહેતા ધ્રુવ નટવરલાલ મકવાણા નામના યુવકના આપઘાતની ઘટના સામે આવી છે. જેમાં ધ્રુવના લગ્ન થઇ ચૂકેલ હોવા છતાં તે મારિયા નામની યુવતી સાથે પ્રેમ સંબંધમાં હોવાથી ધ્રુવને તેના પત્ની ચાર મહિના પૂર્વે મૂકી જતા રહેલ હતા.ત્યાર બાદ ધ્રુવ તેની પ્રેમિકા મારિયા જે સ્પા સંચાલક હતી તેની સાથે સીરામીક સીટી વિસ્તારમાં આવેલ ફ્લેટમાં રહેતો હતો. જે દરમિયાન મારિયાએ અમદાવાદ ખાતે જઈ તેના સાગરીત એવા ASI લાલજીભાઈ ભરવાડ સાથે મળી ધ્રુવ પર અપહરણ અને જબરજસ્તી કર્યાના ખોટા આક્ષેપો કરી ધ્રુવને બન્ને લોકોએ એક કેફેમાં બેસાડી રાખીને તેની પાસેથી પૈસા પડાવ્યા હતા. આટલું જ નહિ ધ્રુવે આ પૈસા મોરબીના કોયલી ગામના વિશાલ બોરીચા નામના શખ્સ પાસે પોતાની ગાડી ગીરવે મૂકી વ્યાજે લીધા હતા. જે રૂપિયા ધ્રુવે દેવામાં મોડું કરતા તેણે ધ્રુવને જાતી પ્રત્યે હડધૂત કરી ધાક ધમકી આપવાનું શરૂ કર્યું હતું ત્યાર બાદ આ તમામ બાબતોથી કંટાળી ધ્રુવએ સ્યુસાઈડ નોટ લખી તેની પ્રેમિકા સાથે જે ફ્લેટમાં રહેતો હતો તે જ ફ્લેટમાં ગળેફાંસો ખાઈ મોત વ્હાલુ કરી લેતા સમગ્ર મામલે ધ્રુવના મોટાભાઈ મુકુંદભાઈએ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુધ્ધ મરવા મજબૂર કર્યા અંગે અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરાવી છે.
ત્યારે ધ્રુવ દ્વારા જે સ્યું સાઈડ નોટ લખવામાં આવી હતી તેનો શબ્દશઃ ઉલ્લેખ પોલીસ ફરિયાદ માં કરવામાં આવ્યો છે જે સ્યુસાઈડ નોટમાં જણાવ્યું છે કે ,,,
“મારિયા લાલામોનપુઇ એ મારી જિંદગી બરબાદ કરી નાખેલ છે અને કાલે મેં તેનું અમદાવાદ એરપોર્ટ પરથી બળજબરીથી અપહરણ કરેલ છે અને બળજબરી કરેલ છે તેવા મારા ઉપર ખોટા આક્ષેપો કરી અમદાવાદ થલતેજ પોલીસ સ્ટેશનના લાલજી ભરવાડ નામના એએસઆઈ નાઓ સાથે મળીને આખો દિવસ મને એક કેફે માં બેસાડી રાખેલ અને મારી પાસેથી રૂપિયા પડાવી લીધેલ હોય અને મારે મારી ગાડી મારી અને પૈસા આપવા માટે મેં વિશાલભાઈ બોરીચા પાસે રૂપિયા 80,000 માટે અડાને (ગીરવે)મૂકવી પડેલ છે અને તેઓ પૈસા બાબતે મને અવારનવાર ધાક ધમકી આપે છે અને મને જાતિ પ્રત્યે હળધૂત કરેલ છે અને મારો ફોન લાલજી ભરવાડ પાસે છે અને જબરજસ્તીથી ફોન વેચેલ છે તેવું લખાણ મારી પાસે કરેલ છે અને આ બધા એકબીજા સાથે સંડોવાયેલા છે અને આ મારિયા મિઝોરમની છે અને તે સ્પામા કામ કરતી નીચી માંડલ ખાતે સેક્સ રેકેટ ચલાવે છે અને આ મારી સાથે મીઠી મીઠી વાતો કરીને લગ્ન કરવાની લાલચ આપીને મને ફસાવી મારી પાસેથી પૈસા પડાવેલ છે અને હું અને મારિયા છેલ્લા ચાર મહિનાથી માળીયા એ રાખેલ ફ્લેટમાં ભાડેથી રહેતા હતા અને આ લોકોએ આમ મને હેરાનગતિ કરેલ હોય જેથી તેમને સજા અપાવજો….”
આ રીતે સ્પા સંચાલક યુવતી એ લાલજી ભરવાડ સાથે મળીને યુવકને ખંખેરવાનું કાવતરું રચ્યું અને યુવકને મોતના મુખમાં ધકેલી દીધો ત્યારે બીજી તરફ વ્યાજખોર આરોપીએ પણ કમાવાની તક ઝડપી સિક્યુરિટી સ્વરૂપે યુવક ની ગાડી રાખીને પૈસા વ્યાજે આપીને પાસેથી પૈસા ખંખેરવાનું શરૂ કર્યું અને યુવકને ધમકાવવાનું શરૂ કર્યું સાથે જ તેના અને મારિયા ના સબંધોને કારણે મૃતકની પત્ની પણ છોડીને જતી રહી હતી અંતમાં તમામ બાબતોથી ઘેરાઈ જતા અંતે યુવકે સ્યૂસાઈડ નોટ લખી આત્મહત્યા કરી હતી.