હળવદ તાલુકાના રણછોડગઢ ગામના ખેત શ્રમિકની પત્ની કપડાની ખરીદી માટે દિકરી સાથે હળવદ ગયી હતી. જ્યાંથી પરત આવતા દેવળીયા ગામ પાસે ટ્રોલીવાળા ટ્રેક્ટરમાં આગળના પંખા ઉપર પરિણીતા બેઠી હોય ત્યારે ટ્રેક્ટર ચાલક દ્વારા એકાએક બ્રેક મારતા નીચે પડી ગઇ હતી અને ટ્રેક્ટરના વ્હીલ નીચે આવી જતાં ગંભીર ઈજાને લીધે તેણીનું મોત નિપજ્યું હતું. ત્યારે અકસ્માત સર્જી ટ્રેક્ટર ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો, બનાવ અંગે મૃતકના પતિએ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
હળવદ તાલુકાના રણછોડગઢ ગામે રહેતા જગદીશભાઈ હકાભાઈ પરમારે હળવદ પોલીસ મથકમાં ટ્રેક્ટર રજી.નં. જીજે-૩૬-એપી-૧૩૪૭ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદમાં જણાવ્યા અનુસાર ગયી તા.૧૪/૦૪ના રોજ ફરીયાદીના પત્નિ શારદાબેન જગદીશભાઇ હકાભાઈ પરમાર ઉવ.૨૩ વાળા ટ્રોલી સહીતના ટ્રેકટરના મોટા વ્હીલ ઉપર આવેલ પંખા ઉપર બેસીને હળવદ ખાતે પોતાની દીકરીના કપડાં લેવા જતા હતા ત્યારે ટ્રેક્ટર ચાલકે પોતાના હવાલાવાળુ ટ્રોલી સહીતનુ ટ્રેક્ટર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી દેવળીયા ગામમાં કન્યા શાળા નજીક બમ્પ આવતા ટ્રોલી સહીતના ટ્રેકટરની એકદમ બ્રેક મારતા શારદાબેન નીચે પડી જતા ટ્રેકટરના મોટા વ્હીલમાં આવી ગયા હતા. શારદાબેનને ડાબા પગે તથા શરીરે જીવલેણ ઈજા પહોંચતા તેણીનું મોત નીપજ્યું હતું, આ સાથે આરોપી ટ્રેક્ટર ચાલક ટ્રોલી સહીતનુ ટ્રેકટર સ્થળ ઉપરથી નાશી ગયો હતો, હાલ હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી તેની શોધખોળ શરૂ કરી છે.