મોરબી મહાનગરપાલિકા અને સિરામિક એશોસિએશન દ્વારા ૧ મે ૨૦૨૫ના રોજ સવારે ૮ વાગ્યે રવાપર ચોકડી ખાતે વિશાળ સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા દ્વારા નગરજનો તથા વિવિધ સંસ્થાઓને આ ઝુંબેશમાં સહભાગી થવા અનુરોધ કરાયો છે.
મોરબી મહાનગરપાલિકા કમિશ્નરની યાદીમાં જણાવ્યા મુજબ, “શ્રમદાન ફોર મોરબી” કાર્યક્રમના ભાગરૂપે, શહેરની સ્વચ્છતા જાળવવા અને નાગરિકોમાં સફાઈ પ્રત્યે જાગૃતિ ફેલાવવા વિશાળ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે. આ સફાઈ ઝુંબેશ તા. ૦૧ મે ૨૦૨૫ના રોજ સવારે ૮:૦૦ વાગ્યે રવાપર ચોકડી ખાતે શરૂ થશે. મહાનગરપાલિકા અને સિરામિક એશોસિએશનના સંયુક્ત પ્રયાસથી યોજાનારી આ ઝુંબેશમાં નગરજનોનો સહયોગ આવશ્યક ગણવામાં આવ્યો છે. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરની સામાજિક, ધાર્મિક અને બિન-સહકારી સંસ્થાઓ તેમજ સામાન્ય નાગરિકોને પણ આ ઝુંબેશમાં જોડાવા માટે અનુરોધ કરાયો છે, જેથી મોરબી શહેરને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવવામાં સહકાર મળી શકે. મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નરે નગરજનોને આ ઝુંબેશમાં ઉપસ્થિત રહીને સ્વચ્છતા માટે યોગદાન આપવા વિનંતી કરી છે.