મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષ સ્થાને વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન વાસ્મો સમિતિની સમીક્ષા બેઠક કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઇ હતી. આ બેઠકમાં નલ જલ મિત્રની આખરી યાદી મુજબ તેમને તાલીમ આપવી, ગ્રામ્ય કક્ષાએ પાણી વેરા વસૂલાત, એજન્સીના કોન્ટ્રાક્ટ રિન્યુઅલ, માધ્યમિક શાળામાં તાલીમ આપવી, પ્રગતિ હેઠળના વિકાસ કામો સહિત વિવિધ મુદ્દાઓની વિસ્તૃત પણે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી.
બેઠકમાં કલેકટર કે. બી.ઝવેરીએ જણાવ્યું હતું કે, છેવાડાના ગ્રામ્ય વિસ્તારો સુધી પીવાનું પાણી લોકોને દરરોજ મળી રહે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે. તાજેતરમાં પાણી ચોરી કરતા અનેક ગેરકાયદેસરના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે અને તેનું રેગ્યુલર રિપોર્ટિંગ જિલ્લા કક્ષાએ થાય તે જરૂરી છે. પાણી ચોરી કરનારને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. મોરબી જિલ્લામાં સીરામીક, પેપર, પ્લાયવુડ, પાસ્ટિકના દાણા, પેકેજીંગ ઉદ્યોગો બહોળા પ્રમાણમાં આવેલા છે. ઉદ્યોગકારોને પાણી નિયમિત મળી રહે તે પણ સુનિશ્ચિત કરવું.
આ ઉપરાંત નલ જલ મિત્ર પ્રોજેક્ટ અન્વયે ૧૮૦ લોકોની પસંદગી કરવામાં આવી છે. જેમને આઈ.ટી.આઈ.માં તાલીમ આપવા અંગેની મંજૂરી અપાઈ છે. મોરબી જિલ્લાની ૧૦ માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓને પાણી અંગે જાગૃત કરવા એફટીકે વોટર પ્યોરિફિકેશન તાલીમ સત્ર યોજાઇ છે, તેની મંજૂરી અપાઈ હતી. તેમજ રૂ.૧,૩૮૧,૩૧૧ રકમના નવા બોર, પમ્પીંગ મશીનરી અને એસેસરીઝ, વીજ કનેક્શન સહિતના વિવિધ વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. પાણી વેરા વસુલાતની કામગીરી ૧૦૦% પૂર્ણ કરવા તેમજ ઓડિટ કરતી એજન્સીના કોન્ટ્રાકટ વિશે ચર્ચા હાથ ધરાઈ હતી. હાલમાં મોરબી જિલ્લામાં વાસ્મો સમિતિના રૂ.૧૭૦.૪૬ લાખના વિવિધ વિકાસના કામો પ્રગતિ હેઠળ છે.
ઉક્ત સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના નિયામક એન.એસ.ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, વાસ્મો યુનિટ મેનેજર તેમજ સમિતિના અન્ય સભ્યો હાજર રહ્યા હતા.