ઝુલતા પુલ નજીક મચ્છુ નદીના કાંઠે મોરબીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા બાંધકામ કરાયેલી દિવાલ બાબતે વિવાદ ચાલી રહ્યો છે. જે મામલે જિલ્લા કલેક્ટર અને મોરબી પાલિકા દ્વારા બે નોટિસ જ્યારે મામલતદાર દ્વારા પણ નોટિસ આપવામાં આવી છે. આમ છતાં સ્વામિનારાયણ મંદિર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા આજે સ્વામિનારાયણ સંસ્થાના સંચાલકો અને જિલ્લા કલેક્ટર, અધિક કલેક્ટર, ટીપીઓ, ડીએસએલઆર સહિતના અધિકારીઓ વચ્ચે બેઠક મળી હતી. જેને લઇને મોરબી જિલ્લા અધિક કલેકટર દ્વારા પ્રતિક્રિયા પણ આપવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, મચ્છુ નદીમાં વિવાદિત દિવાલ મામલે સ્વામિનારાયણ સંસ્થા અને અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેને લઇને મોરબી જિલ્લા અધિક કલેક્ટર એસ.જે. ખાચરે જણાવ્યું કે, ડીએલઆર મુજબ માપણી કરવામાં આવી હતી પરંતુ હવે એસએલઆર દ્વારા ફરીથી માપણી કરીને કલેક્ટર કચેરીને જાણ કરવામાં આવશે તેવો બેઠકમાં નિર્ણય લેવાયો છે. મંદિર સંચાલકોએ બાંધકામમાં દિવાલ અંગે જીડીસીઆરના નિયમોનું પાલન કરવાનું રહેશે. નદીના કાંઠાથી જીડીસીઆરના નિયમો મુજબ જેટલી જગ્યા ક્લિયર કરવાની રહેશે તે નિયમનું પાલન કરવાનું રહેશે. આ બાબતે ચર્ચા કરવામાં આવી અને આ બાબતે સ્વામિનારાયણ મંદિરના સંચાલકો સહમત પણ થયા છે અને આવતીકાલથી તેઓ દિવાલ નીચી કરવાની કામગીરી શરૂ કરશે. મંદિરના સંચાલકોનું કહેવું છે કે તેમણે કોઈ દબાણ કર્યું નથી તેમ મોરબી જિલ્લા અધિક કલેકટરે જણાવ્યું હતું.