મોરબીમાં વાસ્મો સમિતિ તેમજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેસ-૨ની કામગીરી બાબતે બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી તેમજ જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ મહત્વના સૂચનો કર્યા હતા.
મોરબી જિલ્લા વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઈઝેશન (વાસ્મો) તેમજ મોરબી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ ની કામગીરી બાબતે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠકમાં પાણી પુરવઠા બોર્ડ હેઠળ રીજુવીનેશન કાર્યક્રમ અંતર્ગત થતા કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી. અને ગામડાઓમાં સપ્રમાણ આંતરિક પાણી વિતરણ વ્યવસ્થા અંગે સમીક્ષા કરવામાં આવી હતી. કલેક્ટર કે.બી. ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ દ્વારા ઓવરહેડ સંપ કે પાણીના ટેન્કની આસપાસ ગંદકી દૂર કરવા અને આ પ્રકારના જાહેર પાણીના વિતરણ માટેના સ્ત્રોતની સફાઈ બાબતે પણ સૂચના આપવામાં આવી હતી. સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) ફેઝ-૨ અંતર્ગત જિલ્લામાં વ્યક્તિગત શૌચાલય નિર્માણની કામગીરી અંગે સમીક્ષા હાથ ધરાઇ તે ઉપરાંત સામુહિક શૌચાલય માટે ગામની પસંદગી વખતે ધાર્મિક સ્થળ, લોકોની અવરજવર વધુ હોય તેવા સ્થળ ઉપરાંત અગરીયાઓના વિસ્તાર મુજબ ગામ અને સ્થળની પસંદગી કરવા સહિતના મહત્વના સૂચનો આપવામાં આવ્યા હતા. જે બેઠકમાં મોરબી નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ. ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ અને સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા