મોરબીના આંગણે આગામી તારીખ 30 સપ્ટેમ્બર 2023 થી 9 ઓક્ટોબર 2023 સુધી પૂજ્ય મોરારી બાપુની થનાર કથા માટેની ચાલી રહેલી તૈયારીઓ અંગે, સમીક્ષા બેઠક તલગાજરડા મુકામે પૂજ્ય મોરારી બાપુની પ્રેરક તેમજ આશીર્વાદક નિશ્રામાં તેમજ કબીરધામ મોરબીના પૂજ્ય મહામંડલેશ્વર શ્રી 1008 શ્રી શિવરામ સાહેબની અધ્યક્ષતામાં મળેલ. જેમાં આ કથાના મુખ્ય યજમાન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના સાંસદ મોહનભાઈ કુડાંરીયા ઉપસ્થિતી રહેલ તદઉપરાંત તેમની સાથે વિનુભાઈ રૂપાલા તથા ગણેશભાઈ ડાભી તથા વિજયભાઈ લોખીલ ઉપસ્થિત રહેલ.
ગત દિનાંક 30 ઓક્ટોબર 2022 ના રોજ મોરબીમાં આશરે 150 વર્ષ જૂના ઝુલતા પુલ તુટવાની દુર્ઘટના ઘટી હતી . આ દુર્ઘટના અનુસંધાને શ્રધ્ધાંજલિ સ્વરૂપે પૂજ્ય મોરારી બાપુ દ્વારા મોરબીને કથા આપવા માટે જાહેરાત કરવામાં આવેલ.
પૂજ્ય બાપુ દ્વારા કથા અંગેની જાહેરાત થતા જ સાંસદ શ્રી મોહનભાઈ કુડારીયા દ્વારા આ કથા ભવ્યાતિભવ્ય થાય અને ગરીમાપૂર્ણ રીતે થાય, એ હેતુ થી કબીરધામ મોરબીના મહામંડલેશ્વર શ્રી શિવરામ બાપુના માર્ગ દર્શન હેઠળ વિવિધ તૈયારીઓ શરૂ કરવામાં આવેલ. અને સમગ્ર કથાના આયોજનની ઝીંણવટ ભરેલી નોંધ સાથે બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવેલ. જેમાં સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારીયા સાહેબની સાથે ટંકારા પડઘરી વિધાનસભાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, સહકારી ક્ષેત્રના મગનભાઈ વડાવિયા, ઉદ્યોગપતિ અને બિલ્ડર વિનુભાઈ રૂપાલા તથા ગણેશભાઈ ડાભી, અરવિંદભાઈ વાંસદડીયા, જયંતિભાઈ પડસુંબીયા તથા વિવિધ સમાજના અન્ય આગેવાનોના સહિયારા સામુહિક પ્રયાસો દ્વારા કરવા નિર્ધાર કરવામાં આવેલ. અને તૈયારીઓ શરૂ કરવામાં આવેલ.જેમાં પૂજ્ય મોરારી બાપુ દ્વારા વિશેષ સુચારુ તૈયારીઓ માટે આયોજકોનો માર્ગ પ્રશસ્ત કરવા માટે અમુક પ્રકારનું માર્ગદર્શન બાપુએ આપેલ, જેમાં મુખ્ય મુદ્દાઓ અત્રે ઉલ્લેખનીય છે.
પૂજ્ય બાપુએ કહ્યું કે “આઝાદી કા અમૃત મહોત્સવ” જ્યારે ભારત વર્ષમાં મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે આપણે પણ આ અમૃત મહોત્સવ અંગે કાર્યક્રમ કરીશું. અને આ અમૃત મહોત્સવને આપણી કથાની અંદર આવરી લેવામાં આવશે. જુલતા પુલની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકો માટે “શ્રદ્ધાંજલિ” મુખ્ય વિષય તો રહેશે જ. અને આ શ્રદ્ધાંજલિ કથામાં મૃતકોના મોક્ષાર્થે વિશેષ પ્રકારે “પાંચ પ્રકારના મહા યજ્ઞો” સમગ્ર કથા દરમિયાન નવ દિવસ સુધી અવિરત ચાલુ રહેશે. જેમા ગાયોને દરરોજ નીરણ નાખવામાં આવશે. અને સારી રીતે આ યજ્ઞ અવિરત ચાલતો રહે માટે સ્વયંસેવકોને આ અંગેની જવાબદારીઓ સોંપવામાં આવશે. તદુપરાંત કથા દરમિયાન કીડીને કીડીયાળુ, પક્ષીઓને ચણ, કૂતરાઓને રોટલા અને માણસોને ભોજન વગેરે સહીતના અખંડ યજ્ઞો, આ કથા દરમિયાન નવ દિવસ સુધી ચાલુ રાખવામાં આવશે.નવ દિવસ સુધી ભોજન પ્રસાદ વ્યવસ્થા કથા સ્થળે કરવામાં આવશે.ગુજરાતની તમામ દેહણ જગ્યાના સંતો આ નવ દિવસ કથામાં ઉપસ્થિત રહેશે.
*ક્યા યોજાશે કથા અને કેવી વ્યવસ્થા ઊભી કરાશે?*
આ કથા નું સ્થળ કબીરધામ, વાવડી રોડ, મોરબી રહેશે. પૂજ્ય મહામંડલેશ્વર શ્રી શિવરામદાસજી સાહેબની પ્રેરક અને આશીર્વાદક નિશ્રામાં આ ભવ્ય આયોજન થશે. જેના મુખ્ય યજમાન પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા ક્ષેત્રના સાંસદ આદરણીય મોહનભાઈ કુંડારીયા તથા અન્ય લબ્ધપ્રતિષ્ઠ ઉદ્યોગપતિઓ, બિલ્ડરો, ડોક્ટરો, વકીલો એન્જિનિયરો તેમજ તમામ સમાજના અગ્રણીઓ આ કથામાં ખબે ખંભો મેળવીને આયોજન સફળ કરશે.
શ્રોતાઓ માટે ચા અને છાસના સ્ટોલ અવિરત ચાલુ રહેશે. તેમજ કોઈ સમયે ઈમરજન્સી મેડીકલ સારવારની જરૂર જણાય તો, ડોક્ટરો પણ કથા પરિસરમાં એમ્બ્યુલન્સ સાથે ઉપસ્થિત રહેશે. આજુબાજુના ગામડાઓ માંથી શ્રોતાઓને કથા મંડપ સુધી સુવિધાજનક રીતે લાવવા લઈ જવા માટે, સરકારી એસ.ટી. બસોના રૂટ પણ કથા દરમિયાન વધારવામાં આવશે.