આમ તો એસ.ટી.બસને સલામત સવારી કહેવામાં આવે છે. પરંતુ અમુકવાર આ સલામત સવારી એટલી જોખમી બની જાય છે કે, તે કોઈનો જીવ પણ લઈ લ્યે છે. આવું જ કંઈક બન્યું આમરણ હાઇસ્કુલના ગઢના ઢાળીયા પાસે, કે જ્યાં એસ.ટી. બસના ચાલકની બેદરકારીના કારણે એક આધેડનું મોત નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં ધુળકોટ બસ સ્ટેન્ડની બાજુમાં રહેતા શાંતીલાલ કરશનભાઇ સાપરીયા નામનાં આધેડ ગત 10 સપ્ટેમ્બરે આમરણ હાઇસ્કુલના ગઢના ઢાળીયા પાસે ચાર રસ્તા પરથી પોતાની GJ-10-BG-7390 નંબરની સ્પ્લેન્ડર પ્લસ લઈ પસાર થઈ રહ્યો હતો. તે સમયે મોરબી-ઝીંઝુડા રૂટની જી.જે.૧૮-વાય-૯૫૪૮ નંબરની સરકારી એસ.ટી.બસનાં ચાલકે પૂરપાટ ઝડપે ગાડી ચલાવી અકસ્માત સર્જાયો હતો. ત્યારે આધેડને માથામાં પાછળની બાજુ ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જે મામલે આધેડના પુત્ર હીમાંશુભાઇ શાંતીલાલ સાપરીયાએ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.