મોરબીમાં ગઈકાલે એક આધેડ અને એક યુવકનું અકાળે મોત નિપજ્યાનું પોલીસ ચોપડે નોંધાયું હતું. જેમાં મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલ સ્મશાનની પાછળ ટાંકામાં આધેડનું ડૂબી જતા તો રફાળીયા પાવર હાઉસ પાસે યુવકનું અગમ્ય કારણોસર ઝેર ગટગટાવી જતા મોત નીપજ્યું છે.
પ્રથમ બનાવમાં, મોરબીના માધાપર વાડી સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ પંચાસર ચોકડી ખાતે રહેતા વિજયભાઇ ધીરજલાલ પારેખ નામના આધેડની પંચાસર ચોકડીમાં આવેલ ગેસ આધારીત સ્મશાનની પાછળ આવેલ પાણીના ટાંકામાંથી કોઇ કારણોસર પડી જતા મૃત હાલતમાં લાશ મળી આવી હતી. ત્યારે આધેડની લાશ જોઈ જતા સ્થાનિકોએ બનાવ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસને જાણ કરી હતી. જેને લઈ પોલીસે સ્થળ પર આવી આગળની કાર્યવાહી શરુ કરી છે.
બીજા બનાવમાં, વાંકાનેરનાં રોયલ પાર્ક ખાતે રહેતા નિરંજન હિમતલાલ સોલંકી નામના યુવકે ગઈકાલે સવારના સાડા પાંચેક વાગ્યાની આસપાસ પોતે રફાળીયા પાવર હાઉસ પાસે હતો ત્યારે કોઇ કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેની જાણ થતા જ પરિવારજનોએ તેને સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના ડો.વી.આર. સીંગએ ભોગબનનારને જોઇ તપાસી મૃત જાહેર કર્યો હતો. તેમજ સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ મથકે અકાળે મોતની નોંધ કરાવી હતી.