મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રિજેન્ટા હોટલ સામેની સાઈડ સર્વિસ રોડ બાજુ ટ્રક પાર્ક કરી ટ્રકના ચાલક સહિત બે વ્યક્તિ રોડ ક્રોસ કરી રહ્યા હોય ત્યારે બેફામ ઝડપે મોરબીથી વાંકાનેર સાઈડ આવતા એક અજાણ્યા ડમ્પરે ટ્રકના ચાલકને હડફેટે લેતા, ટ્રક ચાલક રોડ ઉપર પટકાતા તેની ઉપરથી ડમ્પરનું વ્હીલ ફરી ગયું હતું. ત્યારે ગંભીર ઇજાઓને કારણે ટ્રક ચાલકનું સ્થળ ઉપર મૃત્યુ નીપજ્યું હતું.અકસ્માત સર્જી અજાણ્યો ડમ્પરનો ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો.
મળતી માહિતી અનુસાર, જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના નાના ગરેડીયા ગામના રહેવાસી બ્રિજેશભાઈ હેમંતભાઈ બરબચીયા ઉવ.૨૨ એ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી અજાણ્યા ડમ્પરના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગઈ તા.૨૦/૦૧ના રોજ બ્રિજેશભાઈના મોટાબાપુ મહેશભાઈ કે જેઓ ટ્રક ડ્રાઇવિંગ કરે છે. ત્યારે ગત તા.૨૦/૦૧ના રોજ મહેશભાઈ અને અશોકભાઈ જોશી ટ્રક લઈને મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપરથી જતા હોય ત્યારે બન્નેને જમવું હોય જેથી ટ્રક રિજેન્ટા હોટલની સામે સર્વિસ રોડ ઉપર પાર્ક કરી મહેશભાઈ અને અશોકભાઈ ચાલીને રોડ ક્રોસ કરતા હોય તે દરમિયાન અજાણ્યા ડમ્પરના ચાલકે પોતાનું વાહન ફૂલ સ્પીડમાં ચલાવી આવી મહેશભાઈને હડફેટે લેતા, મહેશભાઈ રોડની સાઈડ ઉપર પટકાયા હતા, તે દરમિયાન ડમ્પરનું વ્હીલ મહેશભાઈ ઉપર ફરી વળતા, તેઓને પેટના નીચેના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મહેશભાઈનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું. હાલ બી ડિવિઝન પોલીસે આરોપી અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ બીએનએસ તથા એમવી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.









