હળવદ તાલુકાના મયુરનગરમાં રહેતા આધેડ ઉપર ગામના જ યુવાને દારૂના નશામાં ગાળો બોલી જાતિપ્રત્યે હડધુત કરી પથ્થર વડે હુમલો કર્યો હતો. પીડિતના કપાળ પર ઇજા થતા લોહીલુહાણ હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી મુજબ, અશોકભાઈ હીરાભાઈ સોલંકી ઉવ.૪૫ રહે-મયુરનગર તા. હળવદ વાળા ગત તા. ૧૭/૦૯ની રાત્રે તેઓ પોતાના ગામના ઝાપા પાસે બેસેલા હતા, જ્યાં આ સમયે ગામના જયદીપભાઈ દિનેશભાઈ ડાભી દારૂના નશામાં ત્યાં આવી પહોંચ્યા અને તેમણે ફરિયાદીને કહેલ કે, “અહીં કેમ બેઠો છો? અહીંથી નિકળ.” તેમ કહી, જાહેરમાં જાતિપ્રત્યે હડધુત કરી અપમાનિત કર્યા હતા. જે બાદ આરોપી જયદીપે ફરિયાદીને ઢીકા-પાટુનો માર માર્યો. સાથે જ બાજુમાંથી એક પથ્થર ઉપાડી ફરિયાદીના કપાળ ઉપર મારી દેતા, ફરિયાદીને કપાળમાં ઇજા પહોંચી હતી. જે બાદ આરોપીએ કહ્યું કે, “ફરીવાર અહિયા ઝાપા પાસે દેખાશે તો જાનથી મારી નાખીશ” કહી ત્યાંથી ભાગી ગયો હતો. હાલ ભોગ બનનારે હળવદ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. ત્યારે પોલીસે પીડિતની ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ એટ્રોસિટી તથા બીએનએસની કલમ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.