હળવદ તાલુકાના પલાસણ ગામે જૂની બોલાચાલીનો ખાર રાખી પથ્થર વડે માથામાં ઘા મારી આધેડની હત્યા કરાઈ હોવાનો બનાવ સામે આવ્યો છે, હાલ મૃતકના પુત્ર દ્વારા હત્યારા આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા, પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હળવદ તાલુકાના પલાસણ ગામમાં રહેતા ૪૫ વર્ષીય તળશીભાઈ નાગજીભાઈ વિઠલાપરાની ગઈકાલ તા.૨૪ એપ્રિલ ૨૦૨૫ ના રોજ દિનદહાડે પથ્થર વડે હત્યા કરવામાં આવતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ હતી. આ સાથે મૃતકના પુત્ર વિજયભાઈ વિઠલાપરાએ હળવદ પોલીસ મથકમાં આરોપી ઝાલાભાઈ રામાભાઈ ભરવાડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યા અનુસાર વિજયભાઈના પિતાજીને આરોપી સાથે અગાઉ ઝઘડો-બોલાચાલી થયેલ હોય જે બાબતનુ મનદુ:ખ રાખી આરોપીએ તેમના પિતાને પલાસણ ગામની પથ્થરની ખાણના નામથી ઓળખાતી સીમમાં પથ્થર વડે માથાના ભાગે જીવલેણ ઈજા કરી મોત નીપજાવ્યુ હતું. હાલ હળવદ પોલીસે હત્યારા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.