મોરબીમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં આરોપીએ પહેલા તો માનવતા દેખાડી એન્ડ પાછળથી ચોરી છુપીથી ફરાર થયો છે. બનાવ એમ હતો કે, એક કાર ચાલકે મોરબીના શનાળા રોડ પર એક આધેડને હડફેટે લીધા હતા. જેમાં તેમને ઇજા પહોંચતા તેને આરોપી પોતાની મેળે હોસ્પિટલ લઇ ગયો હતો. જો કે આધેડને હોસ્પિટલમાં દાખલ કરી પાછળથી તે ફરાર થયો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી, શનાળા બાયપાસ, એસ્સાર પેટ્રોલ પંપની પાછળ રહેતા રમેશભાઇ સોમાભાઇ સિંધવ ગત તા.૨૫/૦૧/૨૦૨૩ ના રોજ સાંજના આશરે સાડા ચારેક વાગ્યાના અરસામાં પોતાની GJ-36-AD-5092 નંબરની મોટર સાઇકલ લઈ શનાળા રોડ, જી.આઇ.ડી.સી.ના નાકા પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે GJ-36-B-8444 નંબરના કારના ચાલકે પોતાની કાર પુરપાટ ઝડપે ચલાવી આવી ફરિયાદી આધેડની મોટર સાઇકલને પાછળના ભાગે અથડાવી અકસ્માત સર્જ્યો હતો અને જેને કારણે ફરિયાદી પોતાની મોટર સાઇકલ સાથે નીચે પટકાયા હતા. જેના કારણે આધેડને જમણા હાથની કોણીના ભાગે ફેક્ચર જેવી ઇજા તથા જમણા પગે થાપાના ભાગે તથા ઘુંટણના ભાગે મુંઢ ઇજા તથા શરીરે સોલાણ જેવી ઇજાઓ પહોંચી હતી. જેને લઈ આરોપી કાર ચાલકે ફરિયાદીને સારવાર માટે ક્રિષ્ના હોસ્પીટલ ખાતે લઈ ગયો હતો અને થોડી વાર બાદ આરોપી કાર ચાલક ફરિયાદીને હોસ્પિટલમાં મુકી ફરાર થયો હતો. જેને લઈ સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.